દાહોદ,
મહિલા અધિકાર મંચ દ્વારા દાહોદ કલેકટર કચેરી ખાતે ગામ-તોરણી, તાલુકો-સિંગવડની સરકારી શાળામાં આચાર્ય ગોવિંદ નટ દ્વારા અત્યાચાર બાદ હત્યા કરાયેલી ફક્ત છ વર્ષની આદિવાસી દીકરીને ન્યાય મળે, ગુનેગારને ફાંસી થાય, ફરીથી આવો કોઈ ગુનો ન બને તે માટે તકેદારી લેવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. મહિલાઓ હાથમા દીકરીના હત્યારાઓને ફાંસી આપો, મહિલાઓની સુરક્ષા પર ઉઠે સવાલ ,છતા નેતાઓના ભાષણમા મેરા ભારત મહાન, મુખ્યમત્રી રાજીનામુ આપો તેવા લખાણ વાળા કાર્ડ દર્શાવીને વિરોધ પ્રગટ કર્યો હતો.
મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડો મિતાલીબેન સમોવાએ જણાવ્યું હતુ કે દાહોદની નાની બાળકીની એની જ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવેલ હત્યાની ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં મુખ્યમંત્રીનું રૂવાડુય ફરકયુ નથી જેના કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા જોખમમાં છે ત્યારે બેટી બચાવોના દાવા કરનાર ગુજરાત સરકાર મહિલા અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડેલ હોઈ મુખ્યમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની માંગ સાથે દોષિત આચાર્યને ફાંસીની સજા આપી દાખલો બેસાડવાની માંગ છે.
સાથે માંગણીઓ કરવામાં આવી હતી કે, ગુજરાતની મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડેલા ભુપેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક રાજીનામું આપે, દાહોદની દીકરીની હત્યાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી દોષિત આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે,બાળકોની જાતિય સતામણીના કેસોમાં ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવામાં આવે, શાળાકીય કર્મચારીઓને બાળકોની જાતિય અને અન્ય સતામણી રોકવા બાબતે તાલીમ આપવામાં આવે,શાળાઓ, કોલેજો સહિત તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે,સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતી મહિલાઓ સાથે અઘટિત વર્તન કે જાતિય સતામણીની અત્યાર સુધી આવેલી ફરિયાદોને હાઇ પ્રાયોરિટી આપી એનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે. તેમજ દોષિત કર્મચારી અને અધિકારીઓને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરી ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે સહિતની માંગણી કરવામા આવે.આવેદન પત્ર આપવા મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી.