અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ખાડાને કારણે લોકો પરેશાન થઈ ચુક્યા છે પણ ભણેલા-ગણેલા ઉચ્ચ અધિકારીઓ લોકોની સુખાકારી માટે બેઠા છે કે, દુવિધા વધારવા તે કહેવું મુશ્કેલ છે. મોડાસા નગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી બાજુ મોડાસા શામળાજી હાઈવે, મોડાસા-મેઘરજ હાઈવે, મોડાસા હિંમતનગર હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજ હોવા છતાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હવે તો સ્થિતિ એવી નિર્માણ થવા પામી છે કે, ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ તંત્રનો કોઈ જ કાબૂ રહ્યો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે.
મેઘરજ નગરમાં ઠેર ઠેર વિકાસલક્ષી કાર્યોમાં વેઠ ઉતારવા છતાં તંત્ર માત્ર મુકદર્શક બની રહ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મેઘરજના પંચાલ રોડ પર ઈંદિરાનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસ થી રોડ ખોદી દેવાયો છે, હવે પૂરવામાં આવતો નથી. સ્થાનિક લોકોએ વીડિયો થકી મીડિયાનો સહારો લીધો છે, જેમાં સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે, ભૂંગળા નાખવાની કામગીરીને કારણે છેલ્લા 15 દિવસથી ખોદી નાખવામાં આવ્યું છે, જેને કારણે ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે, તો સુકાઈ જાય એટલે આસપાસનું વાતાવરણ ધુળિયું બની જાય છે. આ પ્રકારની સ્થિતિને લઇને સ્થાનિક લોકો પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
સ્થાનિક તંત્ર તો ચાલો કોઈ કામગીરીમાં ધ્યાન નથી આપતું, પણ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ લોકોની ચિંતા કરવામાં રસ ન દાખવતા હોઈ, લોકોને હવે અધિકારી તેમજ સ્થાનિક નેતાગિરી પર વિશ્વાસ રહ્યો નથી. ઘણાં વર્ષો પછી મેઘરજના લોકોએ વિધાનસભામાં ભાજપના ઉમેદવારને ભવ્ય જીત સાથે બેઠક અપાવી છે, તેમ છતાં નેતાઓ જીતી ગયા પછી લોકોની ચિંતા કરવામાં જરાય રસ નથી દાખવતા, જેને કારણે આગામી દિવસોમાં લોકો ભાજપના નેતાઓને જાકારો આપે તો પણ નવાઈ નહીં.