સાસણ ગીર સહિતના વિસ્તારોમાં છાશવારે સિંહ આસપાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, અહીં ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે રોજે-રોજ જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આવેલા અભરામપરા ગામે સિંહોનું ઝૂંડ આવી ચઢ્યું હતું, જેના સીસીટીવી દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
સાવરકુંડલાના અભરામપરા ગામે એક, બે, ત્રણ નહીં પરતું એકસાથે 7 સિંહ આવી પહોંચ્યા હતા. શિકારની શોધમાં સિંહો અભરામપરા ગામે આવી પહોંચ્યા હતા, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા હતા. રાત્રીના અરસામાં શિકારની શોધમાં અભરામપરા ગામે આવેલા સાત સિંહે પશુનો શિકાર પણ કર્યો હોવાની વિગતો મળી છે. આસપાસના વિસ્તારોમાં સતત બે દિવસથી સિંહો શિકારની શોધમાં આવતા હોય છે, ત્યારે મોડી રાત્રે સાત સિંહ અભરામપરા ગામે આવી ચઢતા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રીના સમયે સિંહ ગામમાં ઘૂસી જતાં, નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.