રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટનો નિયમ ફરજિયાત કર્યો છે, જેમાં ખાસ કરીને સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પણ કર્મચારીઓ અને અધિકારીઓ સરકારના નિયમોનું પાલન કરે નથી કરતા. અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવતા કેટલાય લોકો હેલ્મેટ વિના આવી રહ્યા છે, જેમાં આઉટસોર્સિંગ કર્મચારી તેમજ સરકારી કર્મચારીઓ પણ હેલ્મેટ વિના જોવા મળ્યા હતા, એટલું જ નહીં માત્ર એક જ ગેટ ઉપર મીડિયાનો કેમેરો ફર્યો હતો, જ્યાં પોલિસ કર્મચારીઓ પણ હેલ્મેટ વિના જોવા મળ્યા હતા.
અરવલ્લી જિલ્લા સેવા સદનના મુખ્ય પ્રવેશ દ્વારા તેમજ પાર્કિંગ એન્ટ્રી પર મંગળવારના સવારના અરસામાં મીડિયાએ રીયાલિટી ચેક કર્યું હતું, જ્યાં સરકારી કચેરી, જેવી જિલ્લા પંચાયત, જિલ્લા સેવા સદન તેમજ પોલિસ વડા કચેરીના કર્મચારીઓએ જ સરકારના પરિપત્રનો છેદ ઉડાવી દીધો હતો, સરકારના કોઈપણ પરિપત્રની અમલવારી, જિલ્લા તંત્ર તેમજ પોલિસ તંત્રની હોય છે, જોકે અહીં કામ કરતા જ કર્મચારીઓ પરિપત્રને ઘોળીને પી જતાં હોય, તો સામાન્ય વ્યક્તિઓ પર અપેક્ષા કેમ રાખી શકાય?
મીડિયા અહેવાલ બાદ અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલિસ જાગી અને કાર્યવાહી કરી હતી. અરવલ્લી જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત તેમજ પોલિસ વડા કચેરી ખાતે આવતા કર્મચારીઓ તેમજ કાર ચાલકો, જો નિયમોનો ભંગ કરતા હોય તો, તેમને દંડ ફટકાર્યો હતો. પોલિસ કડક વલણ અપનાવી, હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને મેમો આપી હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ હેલ્મેટ પહેરીને આવતા બાઈક અને મોપેડ ચાલકોને ગુલાબનું ફૂલ આપી પ્રાત્સાહિત કર્યા હતા.
અરવલ્લી જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત તેમજ પોલિસ વડા કચેરી બહાર પોલિસે રોજે રોજ ટીમ તૈનાત કરવી જોઈએ, જેથી સરકારી બાબૂઓ પહેલા સરકારી પરિપત્રની અમલવારી કરતા થાય અને નિયમો પાડે.