ધનસુરા દારૂકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ
TRB અને GRD જવાનની દારૂ સંતાડવાની હિંમત કેવી રીતે આવી?
શું પડદા પાછળ કોઈ મોટો ખેલાડી છે કે શું?
શું TRB અને GRD જવાનને હાથો બનાવાયા કે પછી?
નાનકડા ધનસુરા પોલિસ સ્ટેશનમાં આટલો મોટો ખેલ કોણે પાડ્યો?
શું પહેલેથી જ આ બધુ ચાલતું હતું કે શું?
અરવલ્લી જિલ્લામાં સતત દારૂની હેરાફેરી થતીં રહે છે, જોકે હવે તો દારૂની હેરાફેરી એટલા માટે શક્ય બની છે, કારણ કે, તેમાં સીધી રીતે કેટલાક પોલિસ કર્મચારીઓની સંડોવણી હોય છે. એટલું જ નહીં હવે તો ટીઆરબી અને જીઆરડી ના જવાનો પણ જોડાઈ ગયા છે. ધનસુરા તાલુકામાં 11 જાન્યુઆરીના રોજ પોલિસે બાતમીના આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો, જેમાં જીઆરડી અને ટીઆરબી જવાનની સંડોવણી સામે આવી હતી. પોલિસે તમામ બુટલેગરો ઝડપી પાડ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ તેમજ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સંજય કેશવાલા ની સૂચનાથી ફરાર ટીઆરબી અને જીઆરડી જવાનને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી, જેને લઇને ધનસુરા પોલિસની ટીમ દ્વારા તમામ ચારેય બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગત 10/01/2025 ના રોજ બપોરના આશરે પોણા ત્રણેક વાગે ધનસુરા મુકામે પોલીસ સ્ટેશનથી આગળ સ્મશાન નજીક એક શંકાસ્પદ પીકઅપ ડાલા નંબર-RJ-21-GE-0078 નું ધનસુરા પોલીસ સ્ટેશનના TRB તથા GRD ના માણસોએ રોકી ચેક કર્યો હતો. તેમાં ગેરકાયદેસર વિદેશી દારૂ હોવાનું જણાતા, દારૂને સગે-વગે કરવાના ઈરાદે સંતાડી રાખ્યો હતો. જે હકીકત આધારે ધનસુરા પોલીસ સ્ટેશનના પોલીસ તથા ટ્રાફીકની કામગીરી કરતા TRB તથા GRD ના માણસોને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કડકાઈથી પુછપરછ કરતા TRB તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર દિપકભાઇ ખાંટ તથા GRD તરીકે ફરજ બજાવતા પ્રદિપકુમાર મુકેશભાઇ ખાંટ બન્ને રહે.કોલવડા તા.ધનસુરા જી.અરવલી, આ બન્નેએ પીકઅપ ડાલા નંબર-RJ-21-GE-0078માં ભરેલ દારૂ પોલીસ સ્ટેશનમાં લાવવાના બદલે પોતે તથા પોતાની સાથેના TRB સહ કર્મચારી જયદિપકુમાર દલપતસિંહ તલાર રહે.કરણપુર તા.ધનસુરા જી,અરવલ્લી ની મદદથી પીકઅપ ડાલાના ચાલકને સાથે કરણકુમાર રત્નાભાઈ ખાંટ રહે.કોલવડા તા.ધનસુરા વાળાને બોલાવી મુદ્દામાલ સંતાડ્યો હતો. તાત્કાલિક પોલિસની ટીમ કોલવડા ગામની સીમમાં ચિડીયા તળાવ નજીક ગૌચરની જમીનમાં આવેલ જાળીઓમાં બે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો સંતાળી દીધો હતો, જેની ગણતરી કરતા વિદેશી દારૂની કુલ બોટલો નંગ:1239 કુલ કિ.રૂ.1,96,770/- થવા પામતો હતો. પોલિસે કુલ ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઝડપાયેલ બુટલેગર
- સુનિલકુમાર દિપકભાઈ ખાંટ, રહે કોલવડા તા.ધનસુરા જી.અરવલ્લી (TRB)
- પ્રદિપકુમાર મુકેશભાઇ ખાંટ, રહે કોલવડા તા.ધનસુરા જી.અરવલ્લી (GRD)
- જયદિપકુમાર દલપતસિંહ તલાર રહે.કરણપુર તા.ધનસુરા જી,અરવલ્લી (TRB)
- કરણકુમાર રતનાભાઇ ખાંટ રહે.કોલવડા તા.ધનસુરા
ધનસુરા દારૂકાંડમાં માસ્ટર માઈંડ કોણ છે, તેને લઇને હવે સવાલો ઉઠી રહ્યા છે. આટલી હિંમત ટીઆરબી કે જીઆરડી જવાનોની થાય, તે માન્યામાં નથી આવતું, પણ હાલ તો પડદા પાછળના માસ્ટર માઈંડ ખેલાડીને બેનકાબ કરવો જરૂરી છે. ધનસુરા ડી સ્ટાફની કામગીરી પણ હવે શંકાના દાયરામાં ચોક્કસથી આવી જાય છે.





