રાજ્યના સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઇને દંડવત યાત્રાના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતી. ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત, માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરી છે. હજુ સુધી અરવલ્લી જિલ્લાના કોઈ ધારાસભ્યો કે મંત્રી ફરક્યા પણ નથી, રાજ્ય કક્ષાના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય હાલ, ફન ફેર જેવા કાર્યક્રમમાં વ્યસ્ત છે. ત્યારે વિપક્ષના નેતાઓએ લાલજી ભગતના સમર્થનમાં આવ્યા છે. એટલું જ નહીં માલપુર-બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ લાલજી ભગતની મુલાકાતે ન પહોંચતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મોડાસા તાલુકાના મેઢાસણ નજીક લાલજી ભગતની યાત્રા પહોંચતા, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતીના હોદ્દેદારો પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું કે, કોઈપણ સમયે લાલજી ભગતને મદદ માટે તેઓ ખડેપગે રહેશે. આ સાથે જ તેમની સુરક્ષાને લઇને કોંગ્રેસ પાર્ટીએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરી, સત્તાધિશોને આડેહાથ લીધી હતી.
બીજી બાજુ અરવલ્લી જિલ્લા ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન રેવાભાઈએ પણ લાલજી ભગતની દંડવત યાત્રાની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આઉટ સોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓના હિત માટે લડત શરૂ કરી છે, જોકે અધિકારીઓ કે નેતાઓ ફરકતા જ નથી. રેવાભાઈએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, લાલજી ભગતને કંઈપણ થશે, તો સંપૂર્ણ જવાબદારી, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની રહેશે અને કચેરીઓનો ઘેરાવ કરી તાળા મારીશું. આ સાથે જ કોંગ્રેસ નેતા અરૂણ પટેલે પણ ભરતી પ્રક્રિયાને લઇને સવાલો ઉઠાવ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં એક બાજુ સફાઈકામદારોના પડતર પ્રશ્નોને લઇને, લાલજી ભગતે દંડવત યાત્રા શરૂ કરી છે, તો બીજી બાજુ, મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી સેલ્ફી પડાવી રહ્યા છે. ફૂડ સ્ટોલ અને ફનફેર જેવા કાર્યક્રમોનું ઉદ્ધાટન કરી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે, નેતાજીને, લોકોની ચિંતા કરવા કરતા, મોજ કરવામાં વધારે રસ હોય તેવું લાગે છે.