ઉતરાયણ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઇ ચૂકી છે. એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
ઉતરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે.
સૂત્રો કહે છે કે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઇ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુન સિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકોરના નામ ચર્ચામાં છે.
આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય તેવી શક્યતા છે. જોકે ભાજપમાં શું થશે તે રાજકીય પંડિતો પણ કહી શકે તેમ નથી તે જોતાં હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે.
સી.આર.પાટિલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાનીપદે કોને બેસાડાય તે મુદ્દે રાજકીય અટકળોનો બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવા હાઈકમાને મન બનાવ્યું છે.