અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લા પોલિસ ની એલસીબી અને એસ.ઓ.જી ટીમને એન.ડી.પી.એસ. એક્ટના બે કેસ કરવામાં સફળતા મળી છે. જિલ્લાના માલપુર અને મોડાસા તાલુકામાંથી ગાંજાના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે. માલપુર તાલુકાના પરસોડા ગામે રહેતા અભુભાઈ ઉર્ફે ફુલાભાઈ હીરાભાઈ ખાંટ, રહે. પટેલ ફળી, પરસોડા, તા.માલપુર કે જેમને પોતાના કબજા ભોગવટાના માલિકીના રહેણાંક મકાનની ઘરની પાછળ આવેલા વાડામાં ગેરકાયદેસર ગાંજાના છોળનું વાવેતર કર્યું હતું. પોલિસે તપાસ કરતા, લીલાશ પડતાં પાંદડી, દાંડી સહિતના માંદક વાસ વાળી વનસ્પતિજન્ય ગાંજાનો છોડ 1 મળી આવ્યો હતો, જેનું વજન 5.560 કિ.ગ્રામ, જેની કુલ કિંમત 55,600 રૂપિયા થવા પમતી હતી. પોલિસે તમામ મુદ્દામાલ સાથે અભુભાઈ ઉર્ફે ફુલાભાઈ હિરાભાઈ ખાંટ ને ઝડપી પાડ્યો હતો.
બીજી બાજુ મોડાસા તાલુકાના ગાજણ ટોલટેક્સ નજીક, એસ.ઓ.જી. પોલિસે બાતમીના આધારે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. એસ.ઓ.જી.ની ટીમ શામળાજી રોડ પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે ગાજણ ટોલટેક્સ થઈ એક બસ આવી હતી, જેમાં એક ઈસમ કાળા કલરની થેલીઓ બાંધી લઈ જતો હતો, જેમાં બદામી રંગનો સુકાઈ ગયેલી ડાળી તેમજ પુષ્પગુચ્છ સહિતની વનસ્પતિ રાખેલી હતી. પોલિસે તપાસ કરતા ગાંજાનો જથ્થો હોવાનું માલૂમ થયું હતું.પોલિસે ગાંજાના જથ્થાની હેરાફેરી કરતા મરતા થાવરા અહારી, રહે. બલીયા, તા. ખેરવાડા, જિ. ઉદેપુર, રાજસ્થાનને ઝડપી પાડી, ગાંજાનો કુલ 2.082 કિ.લો ગ્રામ જથ્થો પકડી પાડ્યો હતો, જેની કુલ કિંમત 20,820 મળી મોબાઈલ સહિત રોકડ મળી કુલ 25,370 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.