RTO અરવલ્લી એ તેમના વિભાગમાં પણ ડોકિયું કરવું જોઈએ
અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે પ્રવેશ કરતા વાહન ચાલકો ને દંડ કરવામાં આવ્યો હતો. સરકારી બાબુઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા, આર.ટી.ઓ. વિભાગે કાર્યવાહી કરી હતી. સરકારી કર્મચારીઓ અને અધિકારી કચેરીમાં આવતા-જતાં હોય, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે, જોકે કેટલાય કર્મચારીઓ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી અને હેલ્મેટ પહેરતા નથી. હવે આર.ટી.ઓ અરવલ્લીને ખ્યાલ આવ્યો કે, ખરેખર આપણે કંઈ કરવું જોઈએ, ત્યારે આરટીઓની ઊંઘ ઊડી અને દંડ ફટકારવાની કાર્યવાહી કરી…
શુક્રવારના દિવસે સવારના અરસામાં અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત તેમજ એસ.પી. કચેરી ખાતે પહોંચેલા વાહન ચાલકો દંડાયા હતા.. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ટૂ વ્હીલર પર હેલ્મેટ તેમજ મોટા વાહનોમાં સીટ બેલ્ટ લગાવવો ફરજિયાત કર્યો છે, જોકે સરકારી બાબુઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા, અરવલ્લી આર.ટી.ઓ. વિભાગે કાર્યવાહી કરી હતી. સીટ બેલ્ટ ન લગાવેલ હોય અને હેલ્મેટ ન પહેર્યું હોય, તેવા વાહન ચાલકોને આર.ટીઓ. વિભાગે મેમો ફટકારી કાર્યવાહી કરી હતી. આ સાથે જ જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય, તેવા વાહન ચાલકોને ફુલ આપી સન્માનિત કર્યા હતા.
આર.ટી.ઓ. વિભાગે કલેક્ટર કચેરી માં પ્રવેશ કરતા, વાહન ચાલકોને દંડ કર્યો હતો, જોકે આર.ટી.ઓ વિભાગની ગાડીઓમાં જે ડ્રાઈવર્સ વાહન ચલાવે છે, તેઓ ક્યારે સીટ બેલ્ટ લગાવે છે ખરા ? શું આર.ટી.ઓ. વિભાગમાં પ્રવેશ કરતા, વાહન ચાલકો અને અન્ય લોકો નિયમોનું પાલન કરે છે ખરા? અરવલ્લી જિલ્લા આર.ટી.ઓ. વિભાગે, તેમના વિભાગમાં શું ચાલે છે, તેમાં પણ ડોકિયું કરવું જોઈએ, તે જરૂરી છે. અરવલ્લી જિલ્લા આર.ટી.ઓ. અધિકારીએ તે અરજદારોને પૂછવું જોઈએ, જે અરજદારો આર.ટી.ઓ. વિભાગમાં કામ અર્થે આવતા હોય છે.