હાલોલ,
પંચમહાલ જીલ્લાના ઔધોગિક નગર ગણાતા હાલોલના જીઆઈડીસી વિસ્તારમા આવેલી પ્લાસ્ટીકના ઝભલા બનાવતી કંપનીઓ પર હાલોલ નગરપાલિકા તેમજ જીપીસીબી અને મામલતદાર સહિતની ટીમે પોલીસ ટીમને સાથે રાખીને છાપો મારીને પ્લાસ્ટીકના ઝભલા જપ્ત કરવાની કાર્યવાહી કરતા કેટલાક ઉત્પાદકોના ટોળાએ તંત્રની ટીમ અને પોલીસ સાથે ઘર્ષણ કરતા ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે વધુ પોલીસ કાફલો બોલાવાની ફરજ પડી હતી.
પંચમહાલ જીલ્લાના હાલોલનગરના જીઆઈડીસી વિસ્તારોમાં પ્લાસ્ટીકના ઝભલા બનાવાની ફેકટરીઓ આવેલી છે. આ ફેકટરી ઉપર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે હાલોલ મામલતદાર, જીપીસીબી અને પોલીસની ટીમોને સાથે રાખીને છાપા માર્યા હતા. કેટલીક બંધ ફેક્ટરીઓ અને કંપનીઓના તાળા તોડી ફેક્ટરીમાંથી 15 અને 20 માઇક્રોન ના પ્લાસ્ટિકના ઝભલાઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. કાર્યવાહી દરમિયાન કેટલાક ઉત્પાદકતાઓએ લોક ટોળા ભેગા કરી સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે સંઘર્ષ કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.હાલોલ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી ફેક્ટરીઓ અને કંપનીઓમાં પર્યાવરણ માટે જોખમી અને ઘાતક એવા પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરવામાં આવી રહ્યા હોવાની બુમો પડી રહી છે. મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થઈ જતા વધુ પોલીસ કુમક બોલાવવાની ફરજ પડી હતી,પાલિકા ટીમે મોટી માત્રામા પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.