ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. આજે મંગળવારે સવારે 21 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર લગભગ 1.30 વાગ્યે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો. તાઈવાનના દક્ષિણી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ભૂકંપની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તાઈવાનમાં આવેલા ભૂકંપના કારણે 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી.
ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના યુજિંગ શહેરથી 12 કિલોમીટર ઉત્તરમાં જોવા મળ્યું હતું. તાઈવાન ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા છ લોકો એવા છે જેમને તૈનાન શહેરના નાનક્સી જિલ્લામાં ભૂકંપના કારણે નાશ પામેલા મકાનના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ભૂકંપના કારણે સ્ટેટ હાઈવે પર આવેલા ઝુવેઈ બ્રિજને પણ નુકસાન થયું છે, પરંતુ કોઈ મૃત્યુના સમાચાર નથી.