37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ચૂંટણીમાં અનોખો જંગ: સરપંચ માટે વેવાણો જ સામસામે

ચૂંટણીમાં અનોખો જંગ: સરપંચ માટે વેવાણો જ સામસામે

0
84

આપણે એક એવી ચૂંટણીની વાત કરવા જઈ રહ્યાં છીએ જેણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચા જગાવી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના જૂના ઉગલા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં બે વેવાણો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. આ અનોખો મુકાબલો માત્ર ગામમાં જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું જુના ઉગલા ગામ હાલ ગુજરાતભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેનું કારણ છે અહીંની ગ્રામ પંચાયતની ચૂંટણી. અહિં સરપંચ પદ માટે બે વેવાણો, બે સગા સંબંધીઓ સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

એક તરફ છે વર્તમાન સરપંચનો પરિવાર, જે છેલ્લા 10 વર્ષથી ગામમાં શાસન કરી રહ્યો છે. તેમનો દાવો છે કે તેમણે ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે. ગામમાં રોડ-રસ્તા, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે આથી ગામલોકો અમને મત આપીને ફરી વખત સાશનધુરા અમને સોંપશે.

બીજી તરફ, તેમની સામે ચૂંટણી લડી રહ્યાં છે તેમના જ વેવાણ. તેમનો દાવો કંઈક અલગ છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી વર્તમાન સરપંચના શાસનમાં ગામનો વિકાસ થયો નથી. રોડ, રસ્તા, લાઈટ, પાણી અને ગટરની વ્યવસ્થા જ નથી. તેમનો આક્ષેપ છે કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે રોડ તૂટી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળે છે.

“આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ અટકી ગયો છે. રોડની હાલત એટલી ખરાબ છે કે ચાલી પણ નથી શકાતું. લાઈટ, પાણી, ગટરની કોઈ વ્યવસ્થા નથી. રોડના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગામના લોકો પરેશાન છે અને પરિવર્તન ઈચ્છે છે.”

જૂના ઉગલા ગામમાં આ બંને વેવાણો સરપંચ પદને લઈને ચૂંટણીમાં સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ ચૂંટણી રસપ્રદ એટલા માટે પણ બની છે કે નજીકના જ કુટુંબીઓ જ ચૂંટણીમાં સામસામે ઊભા છે. ગામના લોકો પણ આ ચૂંટણીમાં નવા-જૂની કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.

ખાસ કરીને યુવા ટીમ આ વખતે નવા ચહેરાને ચૂંટવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જોકે, નજીકના કુટુંબીઓ સામસામે ચૂંટણી લડી રહ્યા હોવાથી સામાન્ય લોકો પણ ખુલીને વાત કરતા અચકાય છે.ગામ લોકો કહી રહ્યા છે કે અમે તો ઈચ્છીએ છીએ કે જે ગામનો સાચો વિકાસ કરે તેને મત આપીએ. યુવાનોને નવી દિશા મળે તેવું કામ થાય. જોકે, બે વેવાણો છે એટલે થોડું મુશ્કેલ છે ખુલીને બોલવું.” પરંતુ આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે એક વાત એવી છે જેના પર જૂના ઉગલા ગામના સરપંચ પદના બંને વેવાણો સહમત છે. “અમે ભલે સામસામે ચૂંટણી લડીએ… લોકો જેને મત આપશે તે જીતશે, પરંતુ અમારા કૌટુંબિક સંબંધો તો સારા જ રહેશે… ચૂંટણી તો આવતી-જતી રહેશે, સંબંધો તો જીવનભરના છે.”

ખરેખર, આ વાત તેમની રાજકીય લડાઈ વચ્ચે પણ પારિવારિક મૂલ્યોનું સન્માન દર્શાવે છે. હવે જોવું રહ્યું કે જૂના ઉગલા ગામના મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે અને સરપંચ પદનો તાજ કોના શિરે સજે છે પરંતુ એક વાત તો નક્કી છે કે આ ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી આ ગામ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહેશે. તો આ હતી જૂના ઉગલા ગામની અનોખી ચૂંટણીની વાત. જોવું રહ્યું કે 10 વર્ષના શાસન પછી વર્તમાન સરપંચનો પરિવાર ફરી સત્તા મેળવે છે કે પછી તેમના જ વેવાણ પરિવર્તન લાવી શકે છે અને સૌથી મહત્વની વાત એ કે આ રાજકીય યુદ્ધમાં તેમના પારિવારિક સંબંધો અકબંધ રહે તે સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!