અરવલ્લી જિલ્લામાં બ્રિજ તૂટી પડવાની ઘટના હોય કે બ્રિજ બન્યા પછી તોડવાની ઘટના હોય ગુજરાત દેશભરમાં હવે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમાં પણ અરવલ્લી જિલ્લામાં હવે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને આમાં અધિકારીઓની મીલીભગતથી કોન્ટ્રાક્ટર કળા કરી જાય છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગતથી વિકાસની રફતાર એટલી હદે સ્પીડ પકડી છે કે નગરપાલિકાના અધિકારીઓને રાજ્ય કે દેશનું નહીં પરંતુ વિશ્વનો શ્રેષ્ઠ એવોર્ડ આપવો જોઈએ.
મોડાસાના ધુણાઇ રોડ ઉપર આવેલી નીલકંઠ સોસાયટી બહાર દોઢ વર્ષ પહેલા રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. અહીં ગટરનું પણ કામકાજ ચાલી રહ્યું હતું જોકે વીજપોલ નડતરરૂપ રહેતા 15 ફૂટ જેટલો રસ્તો બાકી મૂકી દેવામાં આવ્યો હતો. આનું કારણ હતું કે વીજપોલ વચ્ચે હોવાને કારણે ગટરનું કામકાજ થઈ શકતું ન હતું. આ ચોમાસામાં એટલે કે જુલાઈના વચગાળા સમય દરમિયાન આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અહીં સ્લેબ ભરીને ગટરનું કામકાજ તો પૂર્ણ કરી દેવામાં આવ્યું, પણ આ કામકાજ એટલી હદે નબળી ક્વોલિટીનું હતું કે અહીંથી પસાર થતાં આખું ડમ્પર નીચે ઉતરી પડ્યું. ભૂગર્ભ ગટરનો સ્લેબ પરથી ડમ્પર પસાર થતાં ઉતરી પડતા નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
મોડાસા નગરપાલિકાના અધિકારીઓ અને કૉન્ટ્રાક્ટર્સ ની મિલીભગતથી આ પ્રકારની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આવી નબળી કામગીરી થી લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે પાલિકા કોઈ પણ પ્રકારની આવી નબળી કામગીરી ઉપર કાર્યવાહી નહીં કરતા લોકોનો વિશ્વાસ પણ પાલિકા ઉપરથી ઉઠી જવા પામ્યો છે






