અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં સતત દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે પોલિસ દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવતો હોય છે. મોડાસા માં મોડી રાત્રે રસ્તા પર દારૂની રેલમછેલ મામલે પોલિસ તરફથી જાણકારી આપવામાં આવી કે, પોલિસ દ્વારા બે ગાડી નો પીછો કરવામાં આવ્યો હતો. આ અંગે સ્થાનિક પોલિસને જાણ કરવામાં આવતા, બુટલેગરો દારૂ રસ્તા પર નાખીને રાજસ્થાન તરફ ભાગી ગયા હોવાનું અરવલ્લી જિલ્લા એ.એસ.પી. જાણકારી આપી હતી.
મેઘરજ પોલીસ ટીમ પંચાલ-મેઘરજ રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આગળ વાહન ચેંકિગ માં હતી, તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાન રાજયમાંથી એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ-27-AH-8836 માં બે ઈસમ વિદેશી દારૂનો જથ્થો ભરી પંચાલ રોડ બાજુથી મેઘરજ ગામમાં થઇ પસાર થવાના છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરતા હતા. આ સમય દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી આવતા, ચાલકે પરત પંચાલ રોડ તરફ ઇકો ગાડી હંકારી હતી. પોલીસ ટીમે ઇકો ગાડીનો પીછો કરીને ચાલક તથા બીજો એક ઇસમ ઇકો ગાડી મુકી ભાગવા જતા પોલીસના માણસોએ આરોપી નં.(૧) રાહુલસિંહ વખતસિંહ પરમાર તથા આરોપી નં.(૨) પ્રતિકકુમાર પ્રભુદાસ તલસાણીયા બંને રહે.વડાગામ તા.ધનસુરા જી.અરવલ્લી ને પકડી પાડ્યા હતા. પોલિસે ઈકો ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-19 તેમજ છુટ્ટી બોટલો નંગ-20 મળી કુલ બોટલો/ટીન નંગ-188 મળી કુલ 2,06,440/- રૂ. ના દારૂ સાથે ઈકો ગાડી મળીને કુલ 4,11,440/-નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
આ સાથે જ મોડાસા ના મેઘરજ રોડ પર રસ્તા પરથી મળી આવેલા દારૂ મામલે અરવલ્લી એ.એસ.પી. સંજય કેશવાલા એ જણાવ્યું કે, મેઘરજ તરફથી અન્ય એક ગાડી ભાગીને આગળ નિકળી જતાં, પોલિસે ગાડીનો પીછો કર્યો હતો, તે ગાડી મોડાસા તરફ આવતા, ગ્રામ્ય પોલિસની ટીમને જાણ કરી હતી. મોડાસા ગ્રામ્ય પોલિસની ટીમ પહોંચે, તે પહેલા જ બુટલેગર ગાડીમાં રહેલા દારૂનો મુદ્દામાલ રસ્તા પર ફેંકી રાજસ્થાન તરફ ભાગી ગયા છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલિસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે આ સમગ્ર ઘટનાને લઇને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.






