38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓમાં અનિયમિતતાની બોલબાલા, એક બાબુ તો 11.20 કલાકે આવતા...

અરવલ્લી જિલ્લામાં સરકારી કચેરીઓમાં અનિયમિતતાની બોલબાલા, એક બાબુ તો 11.20 કલાકે આવતા જોવા મળ્યા… હવે શું કરવાનું ?

0
141

કર્મચારીઓ અને અધિકારીઓની મનમાની પર ઉચ્ચાધિકારીઓની શાંતિ ચિંતાજનક

રાજ્ય સરકાર નાગરિકોને સમયસર અને યોગ્ય સેવાઓ પૂરી પાડવાના દાવા કરે છે, પરંતુ જમીની હકીકત એ છે કે, નાગરિકોને સરકારી કચેરીઓમાં દિન-પ્રતિદિન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અરવલ્લી જિલ્લાની કચેરીઓમાં તો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની મનમાની અને સમયની અવગણનાની ઘટનાઓ નિરંતર બનતી રહે છે, જેના કારણે નાગરિકોને તેમનું કામ કરાવવામાં ભારે અડચણો ઊભી થાય છે. એવું પણ જોવા મળે છે કે, જે કચેરીઓ અરજદારો સાથે સીધી જોડાયેલી છે, ત્યાં લગભગ મોડા આવવાની ઘટનાઓ જોવા નથી મળતી, પણ અરજદારો સાથે સીધી જોડાયેલી કચેરીઓ નથી, ત્યાં તો, વાત જ જવા દો…

સમયસર ન આવવાની પ્રવૃત્તિ
અરવલ્લી જિલ્લા સેવા સદનમાં આવેલી વિવિધ કચેરીઓનો સરકારી સમય સવારે 10:30 કલાકનો છે. પરંતુ, આ સમયની કોઈ પરવા કર્યા વગર કર્મચારીઓ અને અધિકારીઓ મનમાની સમયે કચેરીમાં આવે છે. એટલું જ નહીં, સાંજે 6:10 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેવું જોઈએ, પરંતુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાંજે 5:00 વાગ્યા સુધીમાં જ ઘરે જવા માટે તલપાપડ થઈ જાય છે. આવી સ્થિતિમાં એન્ટ્રી અને એક્ઝિટમાં ઉચ્ચ અધિકારીઓએ નજર રાખવી જોઈએ.

આ સંદર્ભમાં 11 સપ્ટેમ્બરની ઘટના ખૂબ જ ચર્ચામાં રહી હતી. તે દિવસે એક અધિકારી કચેરીમાં કંઈ સપ્લાય કરવા આવ્યા હોય, તેમ થેલો લટકાવી સવારે 11:20 વાગ્યે કચેરીમાં આવતા જોવામાં આવ્યા હતા. આટલા મોડા સમયે કચેરીમાં આવવાની ઘટના ને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. શું આ નાયબ કક્ષાના અધિકારી ફિલ્ડમાં ગયા હતા કે, શું ? શું ફિલ્ડમાં જવાના હતા, તો પ્રિ-પ્લાનિંગ અંગે મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધણી કરી હતી કે, નહીં, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તો એક દાખલારૂપ છે, પણ આવું જ ચાલે છે, તે વાતમાં પણ કોઈ બેમત નથી.

આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ સમયસર
મોટાભાગના કર્મચારીઓ આઉટસોર્સિંગ અને કરાર આધારિત છે. આવા કર્મચારીઓને સમયસર બોલાવવામાં આવે છે, પરંતુ અધિકારીઓ અને સ્થાયી કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર નથી થતા. આવી પરિસ્થિતિમાં આઉટસોર્સ કર્મચારીઓ પણ કામ કરવામાં અસમર્થ રહે છે અને નાગરિકોનું કામ અટકી જાય છે. આઉટસોર્સ કર્મચારીઓ પર નજર રાખવા અને તેમનું માર્ગદર્શન કરવા માટે સ્થાયી અધિકારીઓની હાજરી અનિવાર્ય છે, પરંતુ તેમની અનિયમિતતાથી સમસ્યાઓ વધી જાય છે.

ઉચ્ચ અધિકારીઓની ઉદાસીનતા એક ચિંતાનો વિષય
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આવી ઘટનાઓ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવતાં નથી. અધિકારીઓની આવી અનિયમિતતા અને ગેરવર્તણૂક પ્રત્યે ઉચ્ચાધિકારીઓની ઉદાસીનતા એક ચિંતાનો વિષય છે. એટલું જ નહીં કે, ઉચ્ચ અધિકારીઓને પણ આવા અધિકારીઓ નહીં ગાંઠતા હોય કે શું ?આવી ઉદાસીનતા અનિયમિતતાને પ્રોત્સાહન આપે છે અને કર્મચારીઓ અને અધિકારીઓને મનમાની કરવાની છૂટ મળે છે.

અરવલ્લી જિલ્લાની સરકારી કચેરીઓમાં આવી સમસ્યાને લઇને સરકારના સુશાસન અને નાગરિક કેન્દ્રિત વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન લગાવે છે. આ સમસ્યાના નિરાકરણ માટે ઉચ્ચાધિકારીઓ દ્વારા તાત્કાલિક અને પ્રભાવી પગલાં લેવાની આવશ્યકતા છે. નાગરિકોને યોગ્ય સેવા અને સુવિધાઓ મળી શકે, તે સુનિશ્ચિત કરવા સરકારી તંત્રની કાર્યવાહી અસરકારકતા અને જવાબદારી વધારવી જરૂરી છે. નહીંતર, સરકારના દાવા અને જમીની હકીકત વચ્ચેનો ખાઈ વધતી જશે અને નાગરિકોનો વિશ્વાસ ઓછો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!