થોડા દિવસથી અરવલ્લી જિલ્લાની મોડાસા નગર પાલિકા ચર્ચાઓમાં આવી છે. 9 સ્પેટમ્બરના રોજ સરકાર દ્વારા નોટિફેકેશન જાહેર કર્યું હતું, જેમાં મોડાસા તાલુકાના 6 ગામડાનો વિસ્તાર નગર પાલિકામાં સમાવવાનો ઉલ્લેખ હતો. જે દિવસે મોડાસા નગર પાલિકાના અધિકારીઓ અને પદાધાકિરાઓ ચાર્જ લેવા માટે ગયા, તે જ દિવસથી વિરોધ જોવા મળી રહ્યો છે.
મોડાસા તાલુકાની સબલપુર ગ્રામ પંચાયત તેમજ ખલીકપુર ના ગ્રામજનોએ 15 સપ્ટેમ્બરના રોજ 22 ગામની સભા યોજી હતી. આ ગ્રામસભામાં મોડાસા નગરપાલિકામાં કેમ સમાવેશ નથી થવું, તે મુદ્દાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ટેક્સ મુખ્ય મુદ્દો હતો. સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકો શ્રમિકો, ખેતમજૂરો, ખેડૂતો તેમજ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેઓ, મોડાસા નગર પાલિકામાં જોડાવા તૈયાર નથી. ભારે ચર્ચાઓ અને પ્લે કાર્ડ થકી વિરોધ કર્યા પછી, મોટી સંખ્યામાં ગ્રામજનોએ પદયાત્રા યોજી કલેક્ટર કચેરી પહોંચવાનો નિર્ણય કર્યો હતો. પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કલેક્ટર કચેરી પહોંચતા, જ પોલિસ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
શું હતું સરકાર નો નિર્ણય તે પણ વાંચો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/38232/
સ્થિતિ એ હદ સુધી વણસી કે, વધુ પોલિસ બોલાવવી પડી હતી અને ગ્રામજનોને સમજાવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. જોકે ગ્રામજનોએ તેમની અડગ માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ભાજપને પણ આડેહાથ લીધું હતું. ગ્રામજનો અને પૂર્વ હોદ્દેદારોએ તો, ત્યાં સુધી આક્ષેપો કર્યા કે, ભાજપને ફાયદો થાય, તેવી રીતે આ નિર્ણય લેવાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સાયરા ગ્રામપંચાયતનો કેટલોક ભાગ લેવામાં આવ્યો છે, જ્યારે પહાડપુર સહિત ડુઘરવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કેમ નથી કર્યો તેવા પણ પ્રશ્નો તંત્રને કર્યા હતા.
સબલપુર ગ્રામજનોની બસ એક જ માંગ હતી, કે તેમને કોઈપણ ભોગે મોડાસા નગરપાલિકામાં નથી જવું. સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા, ડે.કલેક્ટર અને મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલે, ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોઈપણ સમસ્યાનું નિરાકરણ વાતચીતથી આવી શકે છે. ગ્રામજનોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

ગ્રામજનોના ભારે વિરોધ વચ્ચે સમગ્ર કલેક્ટર કચેરી વિરોધના સૂર સાથે ગૂંજી ઉઠી હતી. અવાજ એટલો મોટો હતો, કે કચેરીઓના કર્મચારીઓ પણ વિરોધ પ્રદર્શન નિહાળવા માટે બહાર દોડી આવ્યા હતા. હાલ તો, અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન અપાતા, ગ્રામજનોએ 24 કલાકનું જિલ્લા વહીવટી તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે. ગ્રામજનોના વિરોધ વચ્ચે સરકાર નિર્ણય બદલે છે કે, પછી નિર્ણય પર તટસ્થ રહેશે, તે જોવું રહ્યું.






