32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગ વિવાદોમાં : ભાજપના ચેરમેન વીણાબેન ખરાડીએ લગાવ્યા ભ્રષ્ટાચારના...

અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગ વિવાદોમાં : ભાજપના ચેરમેન વીણાબેન ખરાડીએ લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, રાજીનામાની ચીમકી

0
135

અરવલ્લી જિલ્લા પંચાયત ની આઈસીડીએસ વિભાગ કેમ આવે છે ચર્ચાઓમાં
થોડા સમય અગાઉ મોડાસા તાલુકા પંચાયતમાં તાલીમમાં કિટ આપવાને લઈને બૂમો ઉઠી હતી
બાળકોના પોષણ, મહિલાઓની વિવિધ યોજનાઓના પૈસાનું પાણી થાય છે કે શું?

અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામતી હોય છે. હવે ફરી એકવાર જિલ્લા પંચાયતના ICDS (સંકલિત બાળ વિકાસ યોજના) વિભાગ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ વખતે આક્ષેપો વિરોધી પક્ષના નહીં પરંતુ સત્તાધારી ભાજપના જ હોદ્દેદાર દ્વારા કરવામાં આવ્યા છે. અરવલ્લી ICDS વિભાગના ચેરમેન વીણાબેન ખરાડીએ પોતાના જ વિભાગના પ્રોગ્રામ ઓફિસર અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે.

ચેરમેન વીણાબેન ખરાડીએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યા કે, છેલ્લા ત્રણ મહિનાથી યોજાતી સામાન્ય સભામાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. વિભાગના અધિકારીઓ તેમની સાથે કોઈ ચર્ચા કર્યા વગર પોતપોતાની મનમાની રીતે નિર્ણયો લઈ રહ્યા છે. સરકારી તેમજ આઉટસોર્સ કર્મચારીઓની ભરતીમાં પણ ગોટાળાઓ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો આરોપ તેમણે કર્યો.

વીણાબેન ખરાડીએ મીડિયાને જણાવ્યું કે, ICDS અધિકારી દ્વારા વિભાગના કામકાજ અંગે તેમને કોઈ માહિતી આપવામાં આવતી નથી. ચેરમેન તરીકેની તેમની ભૂમિકા હોવા છતાં તમામ નિર્ણયો આપખુદી લેવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મુદ્દે તેઓ પહેલેથી જ ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત મંત્રીઓ સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી કે, જો આવી જ અવગણના ચાલુ રહેશે તો, તેઓ ચેરમેન પદેથી રાજીનામું આપશે. “જ્યારે વિભાગના કામકાજ અંગે મને જ જાણ કરવામાં આવતી નથી, ત્યારે ચેરમેન પદે રહેવાનું કોઈ અર્થ નથી,”

અરવલ્લી જિલ્લાના ICDS વિભાગ અંગે અગાઉથી જ વિવિધ અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહી છે. હવે ચેરમેન સ્વયં આક્ષેપ કરી રહ્યાં હોય, ત્યારે સમગ્ર મામલે નવા સવાલો ઉભા થયા છે. સત્તાધારી પક્ષના જ હોદ્દેદાર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ થતા સરકાર અને વિભાગીય તંત્રની કાર્યપદ્ધતિ પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ પર સતત ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવા પામતા હોય છે, છતાં અધિકારી પર કેમ કોઈ જ કાર્યવાહી નથી થતાં તે સવાલ છે. શું મોટા નેતાઓ કે અધિકારીઓના હાથ છે કે શું તે પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે. ભાજપના સત્તાધિશોએ હવે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા, હવે ભાજપના નેતાઓનું જ કંઈ ઉપજતનું ન હોય, તે વાત સ્પષ્ટ છે. અધિકારીઓ સત્તાધીશોને ન ગાંઠતા હોય, તો સામાન્ય જનતા કે અરજદારોને શું ગાંઠતા હશે, તે પણ એક સવાલ છે. હવે તો આ મામલે વિપક્ષે પણ સત્તાધિશોને આડેહાથ લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!