29.2 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે...

અમદાવાદ: રોડ પર છત્રી લઈને સિમકાર્ડ વેચનારથી ચેતજો! ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય કરતાં એજન્ટો ઝડપાયા

0
53

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક ચોંકાવનારા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક ભારતીય નાગરિકોના આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટ જેવા સંવેદનશીલ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સિમકાર્ડ ઇશ્યુ કરતું હતું. આ સિમકાર્ડનો ઉપયોગ ખાસ કરીને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડ આચરતા દુબઈ અને કંબોડિયા સ્થિત કોલસેન્ટરો દ્વારા કરવામાં આવતો હતો.

‘છત્રીવાળા’ એજન્ટોની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સામાન્ય ગ્રાહકોના વિશ્વાસનો ભંગ કરીને સમગ્ર કૌભાંડ આચરતી હતી. રોડ પર સિમકાર્ડ કઢાવવા કે ટ્રાન્સફર કરાવવા બેસતા ‘છત્રીવાળા’ એજન્ટો ગ્રાહકોને સર્વર ડાઉન થવાની ખોટી વાત કરીને તેમની પાસેથી ડૉક્યુમેન્ટ મેળવતા. ગ્રાહકની જાણ બહાર, તેમના ડૉક્યુમેન્ટ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને નવું ગેરકાયદેસર સિમકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવતું હતું.

આ પ્રકારે ઇશ્યુ થયેલા સિમકાર્ડનો ઉપયોગ ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડમાં થયો હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક
પોલીસ તપાસમાં સિમકાર્ડ સપ્લાયનું એક કમિશન આધારિત સ્તરબદ્ધ નેટવર્ક સામે આવ્યું છે, જેનું એક ખાસ કમિશનનું માળખું હતું. જેમાં આરોપી એજન્ટ ગ્રાહકના નામે સિમકાર્ડ ઇશ્યુ કરીને રૂ. 400ના કમિશને આરોપી-2ને આપતો હતો. બીજો આરોપી તે સિમકાર્ડ્સને રૂ. 700ના કમિશને ત્રીજા આરોપીને આપતો હતો. અંતે, ત્રીજો આરોપી આ સિમકાર્ડ્સને રૂ. 1200થી રૂ. 1500ના કમિશને ભારત બહાર દુબઈ થઈને કંબોડિયા ખાતે મોકલી આપતો હતો, જ્યાં તેનો ઉપયોગ ભારતીયોને છેતરવા માટે થતો હતો

પોલીસની કાર્યવાહી
સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને અમદાવાદ, રાધનપુર, પાટણ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ કંપનીઓના મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઘટનાએ સિમકાર્ડ ઇશ્યુ કરનારા એજન્ટોની ગતિવિધિ અને ગ્રાહકોના દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!