- શામળાજી પોલીસ કોન્સ્ટેબલ પોપટ લાલ SRP જવાન રાહુલ દેસાઈ અણસોલનો સુરેશ અને ધનસુરાનો રાહુલ વાળંદ દારૂનું કટિંગ કરતા હતા LCB ત્રાટકી ખેલ પાડી દીધો
- વિદેશી દારૂનો જથ્થો અણસોલના બુટલેગર સુરેશના ઘરે કોણે ઠાલવ્યો
- પોલીસ દારૂ ઝડપ્યા પછી કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓ દારૂ બારોબાર બુટલેગરોને પધરાવતા હોવાની ચર્ચા
- ખાખીને ખાખી જ બદનામ કરતા ઈમાનદાર પોલીસકર્મીઓ શરમજનક સ્થિતિ અનુભવી રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં છાશવારે પોલિસ કર્મચારીઓની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતી હોય છે. ખાસ કરીને રાજસ્થાન નજીક હોવાને કારણે દારૂ ઘુસાડવો સરળ હોય છે, એટલે શામળાજી પોલિસ સ્ટેશનમાં પોસ્ટિંગ લઈને આવી કરતૂત કરતા હોય છે, જોકે નિષ્ઠાવાન પોલિસ અધિકારીઓની બાજ નજરથી આવા પોલિસ કર્મચારીઓની કરતૂત છતી થવા પામે છે. આવી જ એક ખાખીની આડમાં બુટલેગર બનેલા પોલિસ કર્મચારીની સાથે એક SRP જવાન પણ ઝડપાયો હોવાની વિગતો પોલિસ સુત્રો તરફથી મળી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના પગલે વિદેશી દારૂમાં મબલખ કમાણીના પગલે કેટલાક પોલીસકર્મીઓ જ બુટલેગર બની બેઠા છે છેલ્લા કેટલાક સમયથી ખાખીને બદનામ કરતા અનેક પોલીસકર્મીઓ વિદેશી દારૂની ખેપ મારતા કે પછી બુટલેગરો સાથે ભાઈબંધી નિભાવતા જેલની હવા ખાઈ ચુક્યા છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સટેબલ પોપટ કાળા ભરવાડ અને અણસોલના ભણાતફળીમાં રહેતા સુરેશ ઉર્ફે મામુ રણછોડ નિનામાએ તેના ઘર નજીક વરંડા માં અને રિક્ષામાં વિદેશી દારૂ સંતાડી રાખી કટિંગ કરતા હોવાની બાતમી LCB પોલીસેને મળતા ત્રાટકતા સ્વીફ્ટ કારમાં દારૂ ભરવા આવેલા SRP ગ્રુપ-10 અંકલેશ્વરમાં ફરજ બજાવતો રાહુલ ઉર્ફે જયેશ લીલા દેસાઈ અને ધનસુરાના કુખ્યાત બુટલેગર રાહુલ દામજી વાળંદને દબોચી લઇ 3.75 લાખના વિદેશી દારૂ સહીત 10.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાખીધારી બંને બુટલેગર ને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 ફરાર છે. પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
