38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: દેશભક્તિના રંગે રંગાયું મેઘરજ, ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા નાગરિકો

અરવલ્લી: દેશભક્તિના રંગે રંગાયું મેઘરજ, ૭૭મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા નાગરિકો

0
34

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા મથકે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. મેઘરજનું આકાશ તિરંગાના રંગે રંગાઈ ગયું હતું અને સમગ્ર વિસ્તાર દેશભક્તિના જોશથી ગુંજી ઉઠ્યો હતો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ સૌએ રાષ્ટ્રને હાર્દિક વંદન કર્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીએ અરવલ્લી જિલ્લાના નાગરિકોને ઉદ્દેશીને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ માત્ર એક તહેવાર નહીં, પરંતુ આપણા સંવિધાનની મહાનતા, દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચાયેલું ભારતનું સંવિધાન વિશ્વનું સૌથી લાંબું લખિત સંવિધાન છે, જે આપણને સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ જેવા મૂળભૂત અધિકારો આપે છે.

જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે ભારત આજે “આત્મનિર્ભર ભારત” અને “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પ સાથે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગરીબી નિવારણ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ગ્રામિણ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં માર્ગ, પાણી પુરવઠો, આરોગ્ય, શિક્ષણ અને આવાસ ક્ષેત્રે અનેક વિકાસ યોજનાઓ અમલમાં મુકાઈ છે. સ્માર્ટ વિલેજ યોજના હેઠળ અનેક ગામોની પસંદગી કરવામાં આવી છે. વ્હાલી દીકરી યોજના, આદિજાતિ વિકાસ યોજનાઓ, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ કાર્યક્રમો સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે. ખાણ અસરગ્રસ્ત વિસ્તારોમાં સખી મંડળોને મશીનરી પૂરી પાડવાની યોજના, શમળાજી તાલુકાના વિકાસ કાર્યો તેમજ જિલ્લા આયોજન મંડળ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસ થયો છે.

તેમણે અંતમાં અરવલ્લી વાસીઓને પર્યાવરણ સંરક્ષણ, જલ સંરક્ષણ, ડિજિટલ ભારત, મહિલા સશક્તિકરણ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરી હતી અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સપનાને સાકાર કરવા સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ભવ્ય પરેડ, રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓ તથા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતા આકર્ષક ટેબ્લો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ ગીતો, નૃત્ય અને નાટકોએ ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા.

ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, શાળા-સંસ્થાઓ અને ટીમોને પ્રમાણપત્રો તથા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે સૌમાં નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!