28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મંજૂરી ન મળતા ખેડૂતો મેદાનમાં: કંટાળું ગામે શ્રમદાનથી મહાદેવ તળાવ ઊંડું કરવાની...

મંજૂરી ન મળતા ખેડૂતો મેદાનમાં: કંટાળું ગામે શ્રમદાનથી મહાદેવ તળાવ ઊંડું કરવાની અનોખી ઝુંબેશ

0
95

JCB અને ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો સંકલ્પ: તળાવ ઊંડું કરી પાણી બચાવવાનો પ્રયાસ

“તંત્ર નહીં તો અમે”: કંટાળું ગામના ખેડૂતોનું સામૂહિક શ્રમદાન બન્યું પ્રેરણાદાયી ઉદાહરણ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ના ઊંચાણવાળા વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે, જોકે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા હોય, તેવું લાગતું નથી. વાત એટલી હદે પહોંચી જાય છે કે, સ્થાનિક લોકો ભણેલા-ગણેલા અધિકારીઓને વાતાનુકુલિત કક્ષમાં પોતાની આપવીતિ પહોંચાડતા હશે, પણ તેમના પેટનું પાણી પણ હલતું નથી. વાત એટલા માટે કહેવી પડે છે કે, મેઘરજના કંટાળું ગામે ખેડૂતો દ્વારા લોકભાગીદારીનું અનોખી કામગીરી થતાં જોવા મળી રહી છે. તળાવ ઊંડું કરવાની મંજૂરી ન મળ્યાના આક્ષેપો વચ્ચે ખેડૂતો જાતે જ શ્રમદાન કરી JCB અને ટ્રેક્ટરોની મદદથી મહાદેવ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં જોડાયા છે. ખેડૂતોનો દાવો છે કે, આ તળાવ ઊંડું થશે તો આસપાસના દસ જેટલા ગામોને પાણીનો સીધો લાભ મળશે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળું ગામમાં મહાદેવ મંદિર નજીક આવેલ મહાદેવ તળાવને ઊંડું કરવા માટે ખેડૂતો દ્વારા સામૂહિક શ્રમદાનની અનોખી પહેલ કરવામાં આવી છે. ગામના ખેડૂતો પોતાના ખર્ચે JCB તેમજ દસ જેટલા ટ્રેક્ટરોની મદદથી તળાવમાંથી માટી કાઢી રહ્યા છે અને તે માટીનો ઉપયોગ પોતાના ખેતરોમાં કરી રહ્યા છે.

ખેડૂત રોશનભાઈ ડામોર ના જણાવ્યા અનુસાર, તળાવ ઊંડું કરવા માટે અગાઉ સિંચાઈ વિભાગ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જરૂરી મંજૂરી ન મળતા આખરે ગામલોકોએ પોતે જ જવાબદારી સંભાળી આ અભિયાન શરૂ કર્યું છે.તેઓ ઉમેરી રહ્યા છે કે, નર્મદાનું પાણી તળાવ સુધી પહોંચાડવા માટે પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે, છતાં આજદિન સુધી તળાવમાં પાણી છોડવામાં આવ્યું નથી. જેના કારણે પાણી સંગ્રહની મોટી ક્ષમતા હોવા છતાં વિસ્તારના ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.

સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે મહાદેવ તળાવને યોગ્ય રીતે ઊંડું કરવામાં આવે તો કંટાળું સહિત આસપાસના આશરે દસ જેટલા ગામોમાં ભૂગર્ભ જળસ્તર સુધરશે અને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. હાલ ગામના લોકો એકતા અને સહકારથી તળાવ ઊંડું કરવાની કામગીરીમાં જોડાયા છે, જે ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.

કંટાળું ગામના ખેડૂતોની આ પહેલ માત્ર તળાવ ઊંડું કરવાની કામગીરી નથી, પરંતુ પાણી સંરક્ષણ અને લોકભાગીદારીનો એવો સંદેશ છે કે જ્યાં તંત્રની રાહ જોવાને બદલે ગામલોકોએ પોતે જ વિકાસની દિશામાં પગલું ભર્યું છે. ખેડૂતોએ જાતે જ તળાવ ઊંડુ કરવાની કામગીરી હાથ ધરતા, સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ઉપર તમાચો છે. હવે જોવું રહ્યું કે, તંત્ર કેવી રીતે મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!