અરવલ્લીમાં બાકી વેતન અને ઇન્સેન્ટિવ મુદ્દે આશા બહેનોનું ધરણાં પ્રદર્શન, પોલિયો અભિયાન બહિષ્કારની ચેતવણી

0
20

અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાતી આશા બહેનોએ છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણીની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ ધરણાં પ્રદર્શન કર્યું હતું. આશા વર્કરોએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર અને આરોગ્ય વિભાગ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આશા બહેનોના જણાવ્યા મુજબ તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓમાં સતત મેદાની કામગીરી કરી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓની સંભાળ, નવજાત શિશુઓની દેખરેખ, રસીકરણ અને આરોગ્ય જાગૃતિ અભિયાનમાં દિવસ-રાત સેવા આપ્યા છતાં તેમના મહેનતાણાંની ચુકવણી લાંબા સમયથી અટવાયેલી છે.

પ્રદર્શન દરમિયાન આશા બહેનોએ આક્ષેપ કર્યો હતો કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ-અપની રકમ, વર્ષ 2023થી PMMVY યોજના હેઠળનું ચૂકવણું તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની બાકી રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. ઉપરાંત માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું ન હોવાથી અનેક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આશા વર્કરોએ સરકાર અને આરોગ્ય વિભાગને ચેતવણી આપી છે કે જો બાકી ચૂકવણાં તાત્કાલિક કરવામાં નહીં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓની કામગીરીમાંથી તેઓ દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે.

આ અંગે આશા બહેનોએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી બાકી રહેલી તમામ રકમની તાત્કાલિક ચૂકવણી અને સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે હડતાળની જાહેરાત કરી છે. હવે સૌની નજર સરકાર અને આરોગ્ય વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે કે આશા બહેનોની લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ક્યારે આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here