અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોને નજીકના નગરો સાથે જોડવા માટે રસ્તા પહોળા કરવા, નવીન રસ્તા બનાવવા, જુના રસ્તાને રીસર્ફેસ કરવા સહિતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવતી હોય છે. ખાસ કરીને, આદિવાસી પટ્ટામાં રાજ્ય સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ સરકારની આ ગ્રાન્ટનો સદુપયોગ થાય છે કે, પછી મેજરમેન્ટ બૂકમાં કંઈક અલગ અને સ્થળ પર કંઈક અલગ!!! ભ્રષ્ટ બાબુઓને એમ છે કે, સ્થળ પર એકવાર રોડ બની ગયા પછી, કોણ જાડાઈ કે પહોંળાઈ માપવાનું છે ?
અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘરજ પટ્ટામાં રોડના વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે, જોકે આ વિસ્તારમાં આદિવાસી લોકોને તેમના હક્કના સારા, મજબૂત અને ટકાઉ રોડના નિર્માણ થાય છે ખરા ? આવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે. આ વિસ્તારોમાં રોડની ગુણવત્તા, યોગ્ય બિટુમીન તેમજ પૂરતું મટિરિયલ વાપરવામાં આવે છે કે, નહીં તે સવાલ છે. મેઘરજ તાલુકાની માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રોડ ની કામગીરીનું ચોક્કસ નિરીક્ષણ કરવામાં આવે છે કે, નહીં ? શું આ વિસ્તારમાં જે રોડ બન્યા તેમાં સાઇડ પટ્ટા અથવા વરસાદી પાણી ઓસરી જાય, તેવા રોડ હોય છે કે પછી !!! અધિકારીઓ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર્સના ચરણ ચુંબકમાં જ માનતા હોય, તો, આ બધી તપાસ કરવામાં તેમને રસ ન હોય.
મેઘરજ તાલુકા વિસ્તારમાં કેટલાય રોડ બની ગયા, તૂટી ગયા પણ કોઈ પૂછનાર નથી. આ વિસ્તારોમાં ગ્રાન્ટ આવે છે અને વપરાઈ જાય છે, પરંતુ કોણ જાણે, શું થાય છે તે સવાલ છે.



