અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા ICDS પ્રોજેક્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી આઉટસોર્સિંગ મારફતે થયેલી ભરતીઓમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ આશુતોષ રાઠોડે વિકાસ કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ NNM, જુનિયર ક્લાર્ક અને પાપા પગલી સહિતની વિવિધ યોજનાઓમાં અંદાજે ૨૦થી વધુ જગ્યાઓ પર કોઈપણ પ્રકારની જાહેર જાહેરાત કે ઇન્ટરવ્યૂ વગર સીધી નિમણૂકો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિમણૂકો પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોતાના અંગત ઈ-મેઇલ આઈડી મારફતે એજન્સીને નામ મોકલી બંધ બારણે કરવામાં આવી હોવાના આક્ષેપો છે, જેના કારણે જિલ્લાના લાયક યુવાનોના હક્ક સાથે અન્યાય થયો હોવાનું યુથ કોંગ્રેસે જણાવ્યું છે. આ ઉપરાંત અગાઉ ઉઘરાણીના આક્ષેપોમાં ઘેરાયેલા એક કર્મચારી વિરુદ્ધ આયોગમાં થયેલી અરજીનો ખોટો જવાબ આપી તથ્યો છુપાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેને હટાવવાના બદલે ‘આધાર કન્સલ્ટન્ટ’ તરીકે સીધી નિમણૂક આપવામાં આવી હોવાનું શંકાસ્પદ ગણાવી તેની તથા તેના મારફતે નિમણૂક પામેલા અન્ય લોકોની તપાસ કરવાની માંગ ઉઠી છે.
બાયડ CDPO કચેરીમાં લાંચના કેસમાં બે જુનિયર ક્લાર્ક ફરજમુક્ત થયાના બીજા જ દિવસે કોઈ ભરતી પ્રક્રિયા કર્યા વગર અન્ય બે વ્યક્તિઓને નિમણૂક આપવામાં આવી હોવાનો પણ મુદ્દો રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. માલપુર CDPO કચેરીમાં તાજેતરમાં થયેલી ત્રણ જગ્યાઓ સહિતની ભરતીઓમાં ઉમેદવારો પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ છે કે નહીં તેની તથ્યસભર તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 
યુથ કોંગ્રેસે તમામ આઉટસોર્સિંગ ભરતીઓના રેકોર્ડ, પસંદગી યાદી, ભરતી પ્રક્રિયા, સત્તાવાર અને અંગત ઈ-મેઇલનો ઉપયોગ સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરી નિયમો વિરુદ્ધ થયેલી નિમણૂકો રદ કરી જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલી એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે વિકાસ કમિશનર દ્વારા યોગ્ય તપાસ થાય છે કે નહીં તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.



