તત્વ ફાઉન્ડેશન, મોડાસા દ્વારા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ ખાતે ગાયત્રી પરિવારના સહયોગથી કન્યા કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધોરણવાર કુલ 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન “આપણું જીવન લક્ષ્ય શું?”, આદર્શ દિનચર્યા અને યોગના મહત્વ વિષય પર PPTના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે નિયમિત યોગાભ્યાસ તથા શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. યોગના વિવિધ આસનોનું પ્રાયોગિક પ્રદર્શન કરાવી તેના આરોગ્યલક્ષી લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે હેમંતભાઈ પટેલ, કપિલાબેન પટેલ, જયશ્રીબેન ગાંધી, વિલાસબેન પટેલ અને ઘનશ્યામભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર તથા પ્રિન્સિપાલ ડૉ. ઉષા રાઠોડે વિદ્યાર્થીઓને આધ્યાત્મિકતા અને યોગના જીવનમાં વિશેષ મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો સમયાંતરે યોજવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો.



