જમીન માપણીની શીટો સબમિટ કરવા અરજદાર પાસેથી લાંચની માંગણી કરાઈ હતી
સામાન્ય રીતે એવું લાગે કે, કેટલીક સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કેમ કરી થતો હશે!! પણ એવું નથી ભ્રષ્ટાચાર તો તમામ વિભાગોમાં થતો હશે પણ સિસ્ટમથી. DILR કચેરીઓમાં માપણીના નામે પહેલા અરજદારો ને થકવી દેવાય અને ત્યારબાદ વહીવટ માટે વચેટિયા મારફતે મેસેજ કરાવાય અને ત્યારબાદ માપણી માટે લાંચ માંગવામાં આવતી હોય છે. અરજદારો પણ કંટાળીને આખરે પૈસા આપીને પોતાના કામ કરાવી લેતા હોય છે.
મહેસાણા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી ડી.આઇ.એલ.આર. કચેરી, મહેસાણા ખાતે ફરજ બજાવતા લાયસન્સી સર્વેયર આશિષકુમાર ભીખાભાઈ પરમારને રૂ. 70,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
ફરિયાદી દ્વારા જમીનની માપણી કરાવવા માટે ડી.આઇ.એલ.આર. કચેરીમાં અરજી કરવામાં આવી હતી. માપણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેની માપણીની શીટો સબમિટ કરવા બદલ આરોપી લાયસન્સી સર્વેયરે રૂ. 70,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવી આરોપીને રૂ. 70,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ મામલે ACB દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






