27.2 C
Gujarat
Friday, July 31, 2026
Home HeadLines ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરાઈ સર્વગ્રાહી...

ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરાઈ સર્વગ્રાહી સમીક્ષા

0
187

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં થયેલા ભારેથી અતિભારે વરસાદના પગલે વહીવટી તંત્રને સંપૂર્ણ સજ્જ અને એલર્ટ કરવાના હેતુથી આજે ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યના પ્રભાવિત જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના કલેક્ટર, પોલીસ અધીક્ષક, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત મહાનગરોના કમિશનર સાથે સીધો સંવાદ સાધીને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

તમામ જિલ્લા વહીવટી તંત્રોને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ૨૪x૭ કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમને સતત એક્ટિવ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

નીચાણવાળા અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ એન.ડી.આર.એફ (NDRF) અને એસ.ડી.આર.એફ (SDRF) ની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, જ્યાં પાણી ભરાવાની કે પૂરની શક્યતા વધુ હોય તેવા વિસ્તારોમાંથી નાગરિકોને સમયસર અને સુરક્ષિત રીતે આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવા તેમજ ત્યાં ભોજન-પાણી અને તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ દરમિયાન જનજીવનને ન્યૂનતમ અસર થાય અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે રોડ-રસ્તા, વીજળી પુરવઠો અને સંદેશાવ્યવહારની સ્થિતિ સતત મોનિટર કરવા તંત્રને આદેશ આપ્યા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા અને સુવિધા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તમામ જિલ્લા વહીવટી તંત્ર પરસ્પર સંકલન સાધીને ત્વરિત પ્રતિસાદ (Swift Response) આપે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!