26 જૂનથી અત્યાર સુધી 7 દર્દીઓ દાખલ, હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ, બંનેના સેમ્પલ રિપોર્ટ પેન્ડિંગ, 1 પોઝિટિવ દર્દીનું મોત
રાજ્યમાં 2024 પછી ફરીથી ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસની શંકાના કુલ 7 દર્દીઓએ સારવાર લીધી છે. જેમાંથી 3 દર્દીઓના મોત થયા હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે, મૃતકોમાં એકનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે એકનો પોઝિટિવ અને એક રીપોર્ટ હાલ પેન્ડિંગ હોવાનું સત્તાવાર માહિતી તબીબ દ્વારા આપવામાં આવી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. વિપુલ જાનીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસની શંકાનો પ્રથમ દર્દી 26 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ કુલ 7 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા હતા.
આ દર્દીઓમાંથી એક પોઝિટિવ દર્દીનું મોત થયું છે, જ્યારે અન્ય એક દર્દીનું મોત થયા બાદ તેના સેમ્પલનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. અત્યાર સુધી કુલ 3 દર્દીઓના મોત નોંધાયા છે.
હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે અને બંને દર્દીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ, એક બાળ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ કેસોમાં જરૂરી સારવાર તેમજ તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું.






