32.7 C
Gujarat
Thursday, July 9, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા આધુનિક જનસેવા કેન્દ્રમાં ફોર્મ ન મળતા! કહેવાય છે, “સામે...

અરવલ્લી : મોડાસા આધુનિક જનસેવા કેન્દ્રમાં ફોર્મ ન મળતા! કહેવાય છે, “સામે તત્વમાંથી મળશે”

0
35

જાતિ, આવક સહિતના વિવિધ દાખલાઓ માટેના ફોર્મ જનસેવા કેન્દ્રમાં કેમ ઉપલબ્ધ નથી? અરજદારોને ખાનગી સ્થળ તરફ મોકલવાના મામલે અનેક સવાલો ઊભા

અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરી ખાતે આવેલા કહેવાતા આધુનિક જનસેવા કેન્દ્રની કામગીરી સામે ફરી એક વખત પ્રશ્નો ઊભા થયા છે. વિવિધ યોજનાઓ અને દાખલાઓ માટે કાર્યરત જનસેવા કેન્દ્રમાં જરૂરી અરજી ફોર્મ ઉપલબ્ધ કરાવવાના બદલે અરજદારોને સામે આવેલા “તત્વ” કોમ્પ્લેક્ષમાંથી ફોર્મ લેવા માટે કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, એક અરજદાર 9 જુલાઈના રોજ સવારે અંદાજે 11:35 કલાકે જાતિ, આવક, ઉન્નતવર્ગના સહિતના જરૂરી દાખલાઓ માટે અરજી ફોર્મ લેવા જનસેવા કેન્દ્ર પહોંચ્યા હતા. જોકે ત્યાંથી તેમને ફોર્મ આપવાના બદલે “સામેથી એટલે કે તત્વ કોમ્પ્લેક્ષમાંથી ફોર્મ મળશે” તેમ કહી પરત મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો જનસેવા કેન્દ્રમાં જ ફોર્મ ઉપલબ્ધ ન હોય તો અરજદારોને ખાનગી સ્થળે શા માટે મોકલવામાં આવે છે? શું સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ માટેના ફોર્મ હવે ખાનગી સ્થળેથી મેળવવા પડશે? જો ફોર્મ નિઃશુલ્ક અથવા જનસેવા કેન્દ્ર પરથી મળવાના હોય તો અરજદારોને અન્યત્ર મોકલવાનો આધાર શું છે?

સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે, જો દરેક અરજદારને ફોર્મ માટે અલગ જગ્યાએ જવું પડે તો જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ અને સેવાઓની સુલભતા પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા અરજદારોને વધારાનો સમય અને ખર્ચ સહન કરવો પડે છે.

હવે સવાલ એ છે કે, મોડાસા આધુનિક જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલા, આવકના દાખલા અને અન્ય જરૂરી અરજી ફોર્મ કેમ ઉપલબ્ધ નથી? અરજદારોને ફોર્મ કેમ આપવામાં આવતા નથી? અને તેમને સામે આવેલા તત્વ કોમ્પ્લેક્ષ તરફ શા માટે મોકલવામાં આવે છે? તંત્ર દ્વારા ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે, તેવી પણ માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here