27.3 C
Gujarat
Sunday, August 16, 2026
Home ક્રાઇમ Crime સુરત : ડૉ.હર્ષ પંડ્યાનો રેગિંગ કરી જીવ લેનાર ચાર સામે દુષ્પ્રેરણા અને...

સુરત : ડૉ.હર્ષ પંડ્યાનો રેગિંગ કરી જીવ લેનાર ચાર સામે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

0
190

સુરત સિવિલ હોસ્પિટલની સંલગ્ન મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતનો મામલો વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. 9 ઓગસ્ટના રોજ પી.જી. હોસ્ટેલના રૂમમાં બનેલી આ ઘટનાએ સમગ્ર તબીબી ક્ષેત્રને હચમચાવી મુક્યું છે. આ કેસમાં હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)નો પ્રાથમિક રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. FSL તપાસ અનુસાર ડો. હર્ષનું મોત ગળેફાંસો ખાવાથી જ થયું હોવાની પુષ્ટિ થઈ છે. જો કે, આ રિપોર્ટ બાદ પણ સુરત પોલીસ માટે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઊભો થયો છે કે યુવાન ડોક્ટરને આ અતિશય દબાણ હેઠળ આપઘાત કરવા માટે કોણે અને કયા સંજોગોએ મજબૂર કર્યો હતો.

ચાર સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાની ફરિયાદ
બીજી તરફ, મૃતક ડોક્ટરના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ પોલીસ સમક્ષ પોતાના પુત્ર સાથે થયેલા અસહ્ય માનસિક અને જાતિગત ઉત્પીડનની વિગતો આપતાં ચાર સિનિયર ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાએ આરોપ કર્યો છે કે ડો. હર્ષ અનુસૂચિત જાતિ (SC)માંથી આવતા હોવાની જાણ થતાં જ સિનિયરો દ્વારા તેમને ખાસ ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમના પર કામનું અસહ્ય ભારણ નાખવામાં આવતું હતું અને દર્દીઓ કે અન્ય સ્ટાફની હાજરીમાં જાહેરમાં અપમાનિત કરીને સતત માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું. જે બાદ પિતાએ હત્યાની પણ આશંકા વ્યક્ત કરી હતી.

7 જેટલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ ખોલી પોલ
આ ગંભીર કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતક ડોક્ટરના સાથી જુનિયર તબીબોએ પણ મૌન તોડ્યું. 7 જેટલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ મેડિકલ કોલેજના ડીન અને વિભાગીય વડા સમક્ષ હાજર થઈને સિનિયર ડોક્ટરોની દાદાગીરીની પોલ ખોલી હતી. તેમણે રજૂઆત કરી હતી કે સિનિયરો દ્વારા જુનિયર્સ પાસે તબીબી સારવાર ઉપરાંત લેબ ટેકનિશિયનો અને સફાઈ કર્મચારીઓ સુધીના કામ દબાણપૂર્વક કરાવાતા હતા અને નાની-નાની બાબતોમાં કલાકો સુધી ઊભા રાખીને ગાળાગાળી કરવામાં આવતી હતી.

સિનિયર ડોકટરો અને HODની ભૂમિકાની તપાસ
પોલીસ તપાસ દરમિયાન હોસ્ટેલ પરિસરના CCTV કેમેરા બંધ હોવાની બાબત સામે આવતાં તે દિશામાં પણ શંકા ઘેરાઈ છે. પોલીસ હવે કેમેરા બંધ થવાનું સાચું કારણ, ઘટના સમયે પરિસરમાં શંકાસ્પદ અવરજવર અને ડોક્ટરો વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતના કૉલ ડિટેલ્સ રેકોર્ડ્સ (CDR) એકત્ર કરી રહી છે. આ કેસમાં તપાસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર સસ્પેન્ડ થયેલા રેસિડેન્ટ ડોક્ટરો જ નહીં, પરંતુ સમગ્ર ઘટનાક્રમમાં વિભાગીય વડા (HOD) અને ડીનની જવાબદારી તથા ભૂમિકા અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર કેસ અને અત્યાર સુધી શું કાર્યવાહી થઈ?
અરવલ્લીના મોડાસાના વતની અને માર્ચ 2026માં MD માઇક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવનાર ડો. હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટના રોજ સુરત સિવિલ હોસ્પિટલની હોસ્ટેલના રૂમ નં. 1005માં ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં પિતાની અરજીના આધારે એન્ટી-રેગિંગ સ્ક્વોડે 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરી ચાર સિનિયર તબીબો ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ પિતા સુભાષચંદ્રની ફરિયાદના આધારે ખટોદરા પોલીસ મથકે ચારેય આરોપી ડોક્ટરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (BNS 108), ગેરકાયદે અટકાયત (BNS 127(2)), ઈરાદાપૂર્વક અપમાન (BNS 352), ગુનામાં મદદગારી (BNS 54) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!