34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસામાં ચેન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ, બેગપેકમાંથી નિકળ્યું હથિયાર!!! D સ્ટાફ...

અરવલ્લી : મોડાસામાં ચેન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ, બેગપેકમાંથી નિકળ્યું હથિયાર!!! D સ્ટાફ આળસ ખંખેરશે?

0

અરવલ્લી: મોડાસા શહેરમાં ચેન સ્નેચિંગનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે. રામપાર્ક વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ નજીક મોપેડ પર જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઈક પર આવેલા બે શખ્સોએ ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મહિલા મોપેડ પર તેના પાંચ વર્ષીય બાળક સાથે પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સવાર બે શખ્સોએ ચેન સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત અને સમયસૂચકતા દાખવી સ્નેચરનો બે-ત્રણ વખત પ્રતિકાર કર્યો હતો. મહિલાએ પોતાની ચેન પરત ખેંચી લેતાં સ્નેચરો ચેન લઈને ભાગી શક્યા નહોતા. ઘટના દરમિયાન મહિલા અને તેનું પાંચ વર્ષીય બાળક મોપેડ પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ચોંકાવનારી બાબત એ છે કે, ચેન સ્નેચર પૈકીના એક શખ્સ પાસેથી મહિલાએ પર્સ ખેંચી લીધું હોવાનું જાણવા મળ્યું છે. પર્સમાંથી ઘાતક હથિયાર મળી આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી છે.

ભોગ બનનાર મહિલાએ મોડાસા ટાઉન પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

સમયસૂચકતાથી ઘટના નિષ્ફળ, પરંતુ સ્નેચરો ફરાર
મોડાસા શહેરમાં ચેન સ્નેચિંગ જેવી ઘટનાઓને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનામાં મહિલાની હિંમત અને સમયસૂચકતાના કારણે ચેન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો, પરંતુ ઘટનામાં સંડોવાયેલા શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હોવાની માહિતી છે.

શહેરમાં પોલીસ પેટ્રોલિંગ અને ખાસ કરીને ડી-સ્ટાફની કામગીરી સામે પણ હવે સવાલો ઉઠવા લાગ્યા છે. ગુનાખોરીને રોકવા માટે પોલીસની સક્રિય હાજરી અને ગુનેગારો પર નજર રાખવાની કામગીરી કેટલી અસરકારક છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. મોડાસા ટાઉન પોલીસ હવે વધુ સક્રિય બને અને ચેન સ્નેચિંગના પ્રયાસમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!