33.1 C
Gujarat
Sunday, September 20, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસાના ઇસ્કોન મંદિરમાં રાધાષ્ટમીની ભવ્ય ઉજવણીમાં ભક્તો ભક્તિમાં તરબોળ 

અરવલ્લી : મોડાસાના ઇસ્કોન મંદિરમાં રાધાષ્ટમીની ભવ્ય ઉજવણીમાં ભક્તો ભક્તિમાં તરબોળ 

0
મોડાસા શહેરના કેનાલ રોડ પર આવેલા હરે કૃષ્ણ મંદિરમાં રાધાષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાધારાણીના અભિષેક, કીર્તન, સત્સંગ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્વક રાધારાણીના દર્શન કર્યા હતા.
રાધારાણીના મહિમાનું વર્ણન કરી ભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા
રાધાષ્ટમી નિમિત્તે અમદાવાદ ઇસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્ર પ્રભુએ સત્સંગ દરમિયાન રાધારાણીના આધ્યાત્મિક મહિમા અને ભગવાન શ્રીકૃષ્ણ સાથેના તેમના અવિનાભાવ સંબંધ વિશે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના નામ સાથે રાધારાણીનું નામ શ્રદ્ધાપૂર્વક લેવામાં આવે છે અને રાધારાણી ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. રાધાષ્ટમીના પવિત્ર દિવસનું મહત્વ, ભક્તિ અને આનંદની અનુભૂતિ અંગે પણ ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંદિરમાં રાધારાણીનો વિશેષ અભિષેક કરી પુષ્પોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ફૂલોની સજાવટથી રાધારાણીની પ્રતિમાની સુંદરતા વધુ ખીલી ઊઠી હતી. ભક્તોએ કીર્તન અને હરિનામ સંકીર્તનમાં જોડાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
રાધાષ્ટમીના સમગ્ર આયોજનની તૈયારીઓ હરે કૃષ્ણ મંદિરના પ્રમુખ મનુભીમદાસ, પ્રાણરૂપિણી માતાજી, પિન્ટુ પ્રભુ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જીવદયાપ્રેમી નિલેશ જોષી, પિન્ટુ પ્રભુ, દર્શન પ્રભુ સહિતની ટીમ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું અને ભક્તોએ રાધારાણીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!