ભાદરવી પૂનમના પાવન અવસર પર અંબાજી તરફ પદયાત્રા કરતા હજ્જારો શ્રદ્ધાળુઓની સેવામાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ (ખુમાપુર ગામ), ભોઈ સમાજ (ડુંગરપુર) તેમજ ઈન્ડિયા હેલ્થ લાઈન મેડિકલ સેવાના સંયુક્ત ઉપક્રમે ભિલોડાના મોહનપુર ખાતે પદયાત્રીઓ માટે સેવાકીય કેમ્પ શરૂ કર્યો છે.સેવાકીય કેમ્પ સતત પાંચ દિવસ સુધી કાર્યરત રહેશે, શુધ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.અંબાજી તરફ આગળ વધતા પગપાળા પદયાત્રીઓને સતત ચાલવાથી થતી શારીરિક મુશ્કેલીઓ, થાક અને દર્દમાં રાહત આપવા માટે (સોહમ બાળકોની હોસ્પિટલ, ભિલોડા) ના સેવાભાવી ડો. સુનિલભાઈ મહેશ્વરી, હિનાબેન મહેશ્વરી સહિત સમગ્ર મેડિકલ ટીમ દ્વારા નિઃશુલ્ક તપાસ, દવાઓ વિતરણની ઉત્તમ સેવા આપી રહ્યા છે.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે અલ્પાહાર, ચા-નાસ્તો તેમજ આરામ કરવાની સુંદર વ્યવસ્થા કરી છે.મા અંબાના ભક્તોની સેવામાં જોડાયેલ સર્વે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સેવાકીયકાર્યને પદયાત્રીઓ દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.રાત-દિવસ સેવાભાવી આયોજકો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ સેવાકીય કેમ્પનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.




