સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખેતરમાં ભાગીયા તરીકે પરિવાર સાથે રહેતા શ્રમિક પતિએ પત્નીના ચારિત્ર પર વ્હેમ કરી રાત્રીએ ગળું દબાવી હત્યા કરી ફરાર થઈ જતા ખેતર માલિકને પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ઈડરમાં રાત્રે જમવાના સમયે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતા જ પતિએ પત્નીના ગળાને પકડીને દબાવી દીધું હતુ. જ્યાં સુધી પત્નિ સોની પારઘીએ પોતાના શ્વાસ લેવાનું બંધ ના કર્યું ત્યાં સુધી પતિએ રમેશ પારઘીએ ગળું કસીને દબાવી રાખ્યું હતું. ગળું દબાવી રાખીને હત્યા કરતા પત્નિ સોનીબેન ત્યાં જ ઢળી પડી હતી. સોનીબેનની લાશને આરોપી પતિ રમેશભાઇ પારઘીએ ખાટલામાં નાંખીને ઉપર ગાદલું ઢાંકી દીધું હતું. ત્યારબાદ તે પોતાની નાનકડી દીકરીને લઈને ત્યાંથી ભાગી નિકળ્યો હતો.
ચારિત્ર્યની આશંકાએ પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભાગતો ફરતો થઈ ગયો હતો. જેને લઈ જાદર પોલીસ સહિત ઈડર ડિવિઝનની પોલીસની ટીમોએ આરોપી રમેશ પારધીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન હિંમતનગરથી દેશોત્તર વચ્ચેથી આરોપી પતિને ઝડપી લેવાયો હતો. જાદર પોલીસે આરોપીને ઝડપી લઈને હવે હત્યાને લઈ તપાસ હાથ ધરી છે. આરોપી રમેશ પારધી મૂળ રાજસ્થાનનો વતની છે અને તે અહીં ઈડરના હરિપુરા ગામે ખેતશ્રમિક તરીકે પરિવાર સાથે આવી પહોંચ્યો હતો, જ્યાં ખેત શ્રમિક તરીકે તે કામ કરતો હતો અને ખેતરની ઓરડીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. જ્યાં ખેતરની ઓરડીમાં જ પતિ પત્નિ વચ્ચે જમવાના સમયે ઝઘડો થયો હતો.




