અમદાવાદ: એચ. એ. કોલેજમાં વિશ્વ હૃદય દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું
ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા આજરોજ વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વક્તવ્યનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે આજના સોશિયલ મિડીયાના સમયમાં લોકોનું જીવન ખુબ જ ઝડપી અને અનિયમિત થઈ ગયું છે. સમયના અભાવના કારણે શારીરિક કસરત થતી નથી તથા જંકફૂડનું સેવન વધવાથી હૃદય સંબંધીત રોગો થાય છે. બેઠાડુ જીવન જીવલેણ રોગોને આમંત્રણ આપે છે.
ડાયાબીટીસ, બ્લડ પ્રેશર તથા કોલેસ્ટ્રોલ એ હાર્ટ એટેક લાવી શકે છે. લોકોમાં હૃદયરોગ સંબંધે અવેરનેશ ઉભી કરવા તથા આપણા મહત્વના હૃદયને તંદુરસ્ત રાખવા જરૂરી છે. આપણા ગુજરાત રાજ્યમાં હાર્ટ સંબંધિત કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ૪૦ થી ૫૦ વર્ષની વય ધરાવતા લોકોને પણ અસર જોવા મળે છે. આનાથી બચવા નિયમિત કસરત, તાજા ફળો તથા શાકભાજી ખાવા, તૈયાર ખાવાના પેકેટ્સનો ત્યાગ કરો, કઠોળ તથા સંતુલિત આહાર લેવો જોઈએ. કોઈપણ શારીરિક કસરત કરવી જોઈએ. દરરોજ ૩૦ મિનિટ ચાલો, સ્ટ્રેચીંગ કરો તથા નિયમિત સાઈકલ ચલાવો. કોઈપણ જાતની ચિંતા, તણાવ તથા બેચેની વગરનું જીવન જીવવું જોઈએ. નિયમિત જીવન, સમયસર ખોરાક લેવો, પૂરતી ઊંઘ લેવી, સારા મિત્રો બનાવવા, સારા પુસ્તકો વાંચવા તથા મનગમતી પ્રવૃત્તિઓ કરવાથી પણ હૃદય તંદુરસ્ત રહે છે.





