30.8 C
Gujarat
Tuesday, September 29, 2026
Home ગુજરાત News from Gujarat મોડાસા: રત્નદીપ યોગ શાખામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી, વરિષ્ઠ નાગરિકોના અભિનય-રાસે સર્જ્યો ભક્તિનો...

મોડાસા: રત્નદીપ યોગ શાખામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી, વરિષ્ઠ નાગરિકોના અભિનય-રાસે સર્જ્યો ભક્તિનો માહોલ

0

મોડાસા: રત્નદીપ યોગ શાખામાં કૃષ્ણોત્સવની અનોખી ઉજવણી, વરિષ્ઠ નાગરિકોના અભિનય-રાસે સર્જ્યો ભક્તિનો માહોલ

સરસ્વતી બાલ મંદિર રત્નદીપ શાખા ખાતે વર્ષોથી કાર્યરત યોગા ક્લાસ દ્વારા કૃષ્ણોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનારા મોટાભાગના કલાકારો વરિષ્ઠ નાગરિકો હતા. તેમની ઊર્જા, અભિનય અને કલાત્મક રજૂઆતે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમના પ્રમુખ તરીકે જીવદયા પ્રેમી અને મરણોત્તર દેહદાન અંગે સમાજમાં જાગૃતિ લાવનાર નિલેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે લલિતાબેન પ્રણામી અને વર્તમાન નગરપાલિકા કાઉન્સિલર અશ્વિન પરમાર હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સૌના કૃષ્ણાષ્ટકમના સામૂહિક પારાયણથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાધા-કૃષ્ણના અશરીરી પ્રેમના વિવિધ પાસાઓને અભિનય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. મીનાબેન પિનલ, પૂજાબેન, ચંદ્રિકાબેન, શિલ્પાબેન, સુનિતાબેન અને ગીતુ તુલસીએ ઉત્કૃષ્ટ અભિનય કરી કૃષ્ણપ્રેમની ભાવનાને જીવંત કરી હતી.

કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના સંબંધોને રાસ-ગરબાના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. મંજુલાબેન, રીટાબેન, ચાંદનીબેન, પારુલ, નાવ્યા, શ્વેતા અને રીટા પ્રજાપતિની બેનમૂન વેશભૂષા તથા મનમોહક રજૂઆતથી કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકો પણ તાલીઓના નાદ સાથે જોડાઈ ગયા હતા. ધર્મેન્દ્રભાઈ, ચેતન, ડો. ગોવિંદભાઈ અને નિવાન પ્રણામીએ પણ કાર્યક્રમમાં સહભાગી બની પોતાની ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે શ્રી ભુપેન્દ્રભાઈ ગોરે ‘મારી નજરે કૃષ્ણ’ વિષય પર તુલનાત્મક ચિંતન રજૂ કર્યું હતું. જ્યારે કૈલાશબેન પટેલે ‘દ્રૌપદીની મનોવ્યથા એટલે સમગ્ર સ્ત્રી જાતની વ્યથા’ વિષય પર એકપાત્રી અભિનય રજૂ કરી સૌને વિચારતા કરી દીધા હતા.

કાર્યક્રમનું સંચાલન, લેખન અને સમગ્ર માર્ગદર્શન ડો. હરિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પંકજભાઈ, મણીભાઈ, નારાયણભાઈ અને ચંપકભાઈ. વિનોદ ભાવસાર એ કાર્યક્રમની વ્યવસ્થા તથા અલ્પાહારની જવાબદારી સંભાળી હતી.

‘આજના સમયમાં ફરી કૃષ્ણના અવતારની રાહ’

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નિલેશ જોશીએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર અવતર્યા હતા અને ત્યારથી જન્માષ્ટમીની ઉજવણીની પરંપરા ચાલી આવી છે. પરંતુ આજે દેશ અને દુનિયામાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમાં લોકો ફરી એક વખત ભગવાન શ્રીકૃષ્ણ આ જ રીતે ધરતી પર અવતરે અને ધર્મ, સત્ય તથા માનવતાનો માર્ગ બતાવે તેની રાહ જોઈ રહ્યા છે.”

વરિષ્ઠ નાગરિકોએ પોતાની ઉંમરને બાજુ પર રાખીને રજૂ કરેલા અભિનય, રાસ-ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. સમગ્ર રત્નદીપ યોગ શાખા જાણે કૃષ્ણમય બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!