મોડાસાની કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે યોગાભ્યાસમાં અધિકારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર યોગ કર્યા
અરવલ્લી જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત યોગ બોર્ડ દ્વારા મોડાસાની કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ઉપસ્થિત રહીને અરવલ્લી જિલ્લાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો.યોગ એ આપણા જીવનનું અમૂલ્ય ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને અંતરરાષ્ટ્રીય મહત્વ મળ્યું છે અને આજે વિશ્વભરમાં યોગની સ્વીકૃતિ વધી રહી છે. આ જ ભાવના સાથે અરવલ્લી જિલ્લામાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો
યોગ શિબિરમાં સહભાગીઓએ સામાન્ય આસનો સાથે મેડિટેશનનો પણ અભ્યાસ કર્યો હતો. તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન અને ભુજંગાસન જેવા આસનોથી શરીરની લવચીકતા, સંતુલન અને મજબૂતાઈ વધે છે, જ્યારે શવાસનથી શરીરને વિશ્રાંતિ મળે છે. આ આસનો પછી મેડિટેશન દ્વારા મનને શાંત કરીને એકાગ્રતા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. નિયમિત યોગાસન અને મેડિટેશનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત આ શિબિર સેવા સંકલ્પ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. જિલ્લાના અધિકારીઓ અને નાગરિકો વચ્ચે યોગની મહત્તા અંગે સમજ વિકસાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ યોગાભ્યાસમાં ઉત્સાહથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં યોગની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે છે અને નાગરિકોને સ્વસ્થ તથા સકારાત્મક જીવન જીવવા માટે પ્રોત્સાહન મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય,નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ તેમજ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં જાહેર જનતાએ પણ આ યોગ શિબિરમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શિબિર દરમિયાન યોગાસનો કરાવવામાં આવ્યા હતા, જેના થકી સહભાગીઓને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ મળી.અરવલ્લી જિલ્લામાં આયોજિત આ યોગ શિબિરે સ્થાનિક સ્તરે યોગ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.





