મોડાસા: મોડાસા કોર્ટ દ્વારા રૂ. 60,000ના ચેક બાઉન્સ કેસમાં સલીમભાઈ ઉસ્માનભાઈ વણઝારાને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 60,000 હાથ ઉછીના લીધા હતા અને પરત ચુકવણી માટે સર્વોદય સહકારી બેંકનો ચેક આપ્યો હતો. ચેક બેંકમાં જમા કરાવતા પૂરતા નાણાં ન હોવા તથા સહીમાં તફાવતના કારણે પરત ફર્યો હતો. કાયદેસરની નોટિસ બાદ પણ રકમ ચૂકવવામાં ન આવતા કોર્ટમાં કેસ દાખલ થયો હતો.
ફરિયાદી તરફે વિદ્વાન ધારાશાસ્ત્રી સરફરાઝ એ. ટીંટોઇયાએ કોર્ટમાં દલીલો કરી હતી અને બેંક મેમો સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
કોર્ટે આરોપીને રૂ. 60,000ની રકમ ફરિયાદની તારીખથી વાર્ષિક 9% વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.





