33.9 C
Gujarat
Thursday, October 22, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા આઇકોનિક રોડની સમસ્યાઓ અંગે વારંવાર તંત્રમાં રજુઆત છતાં ઉકેલ...

અરવલ્લી : મોડાસા આઇકોનિક રોડની સમસ્યાઓ અંગે વારંવાર તંત્રમાં રજુઆત છતાં ઉકેલ નહીં, નાગરિકોમાં આક્રોશ

0

ગટરના ઢાંકણાં, રોડના લેવલ અને પાણીના નિકાલની ખામીઓ દૂર કરવા તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ

 

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચ નિર્માણધીન આઇકોનિક રોડને લઈને નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે. ચાર રસ્તાથી સહયોગ ચોકડી અને ચાર રસ્તાથી પેલેટ ચોકડી સુધીના માર્ગમાં ગુણવત્તા, ગટરના ઢાંકણાંની ગોઠવણી, ફૂટપાથના લેવલ અને પાણીના નિકાલ અંગેની સમસ્યાઓને લઈને અગાઉ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રજૂઆત બાદ પણ અપેક્ષિત સુધારાત્મક કામગીરી ન થતાં હવે રોડ એન્ડ બિલ્ડિંગ (R&B) વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

 

શહેરના વિકાસ માટે સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા આઇકોનિક રોડનો હેતુ નાગરિકોને સારી અને સુરક્ષિત સુવિધા આપવાનો છે. પરંતુ રોડ બન્યા પછી પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત સાથે કામની ગુણવત્તા અંગે ટેકનિકલ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

 

પૂર્વ કોર્પોરેટર અને જીવદયા પ્રેમી નિલેશ જોષીએ જણાવ્યું હતું કે, “જનહિતના પ્રશ્ને નાગરિકો વારંવાર રજૂઆતો કરે અને છતાં સમસ્યાઓનો ઉકેલ ન આવે તો લોકોમાં આક્રોશ ફેલાય તે સ્વાભાવિક છે. આઇકોનિક રોડ બન્યા પછી જ લોકોને વધુ હેરાનગતિ થતી હોય તેવી સ્થિતિ ન સર્જાય તે જોવાની જવાબદારી તંત્રની છે. સ્પાઇનની સમસ્યા ધરાવતા દર્દીઓ સહિત તમામ નાગરિકોને રસ્તા પર સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહેવી જોઈએ. અકસ્માતની શક્યતા ટાળવા માટે તંત્રએ તાત્કાલિક કામ કરવું જોઈએ.”

 

રજૂઆતમાં બંને માર્ગોનું ટેકનિકલ નિરીક્ષણ કરાવી ખામીઓની લેખિત નોંધ તૈયાર કરવા, રોડની ગુણવત્તા ચકાસવા, ગટરના ઢાંકણાંને યોગ્ય લેવલમાં ગોઠવવા અને ફૂટપાથ તથા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માંગ કરવામાં આવી છે. સાથે જ કામના ખર્ચ, ટેન્ડર, કોન્ટ્રાક્ટરની જવાબદારી અને ગુણવત્તા પરીક્ષણના અહેવાલો અંગે પારદર્શિતા જાળવવાની પણ માંગ છે.

 

નિલેશ જોષીએ દિવાળી પહેલાં તમામ ગંભીર ખામીઓ દૂર કરીને નાગરિકોને રાહત આપવા અને કરવામાં આવેલી કાર્યવાહી અંગે લેખિત જવાબ આપવા R&B વિભાગને સામાજિક કાર્યકર નિલેશ જોષી અમરીશ પંડ્યા વિનોદ ભાવસાર દ્વારા રજૂઆત કરવામાં આવી. હવે સંબંધિત વિભાગો દ્વારા સ્થળ તપાસ અને સુધારાત્મક કામગીરી ક્યારે હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!