૭૫ વર્ષ કે તેથી વધુ વયના વડીલોનું શાલ, સ્મૃતિચિહ્ન અને ભેટ અર્પણ કરી સન્માન કરાયું
શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે વડીલ વંદના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ૭૫ વર્ષ કે તેથી વધુ વય પૂર્ણ કરેલા વડીલોનું શાલ, સ્મૃતિચિહ્ન અને આકર્ષક ભેટ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ નવી પેઢીમાં સંસ્કાર અને સામાજિક મૂલ્યોનું સિંચન કરવાના ઉમદા આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો.
વડીલ વંદના સમારોહના અધ્યક્ષસ્થાને વડોદરાના કાલિદાસભાઈ પટેલ (નાની ચિચણો) તેમનાં ધર્મપત્ની નીરૂબેન પટેલ સાથે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાનો તરીકે સમાજના પૂર્વ પ્રમુખ આર.પી. પટેલ, પ્રવીણભાઈ પટેલ, કોદરભાઈ પટેલ, કડવા પાટીદાર બોર્ડિંગ પ્રમુખ એસ. આર. પટેલ, દાતા હંસાબેન ભરતભાઈ પટેલ (લિંભોઈ) તથા રવિન્દ્રભાઈ પટેલ (પહાડપુર) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા જાગૃતિબેન પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં વડીલોનું જીવન, તેમના અનુભવો, સંસ્કારો અને સમાજ પ્રત્યેના યોગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓ વધુ મજબૂત બને તેવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
સમાજના પ્રમુખ સંજયભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે વડીલો સમાજની અમૂલ્ય ધરોહર છે. તેમના જીવનના અનુભવો, સંઘર્ષ અને સંસ્કારો નવી પેઢી માટે માર્ગદર્શક છે. વડીલોનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પ્રતીક છે. સમાજમાં વડીલો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે અને યુવા પેઢી તેમનાં જીવનમૂલ્યોમાંથી પ્રેરણા મેળવે તેવા હેતુથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સમારોહને સફળ બનાવવા વડીલ વંદના કાર્યક્રમના કન્વીનર સુરેશભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ, મિનેષભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, જતિનભાઇ પટેલ મુકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ રવિન્દ્ર પટેલ તથા સમિતિના સભ્યો, સ્વયંસેવકો અને મહિલા સમિતિની બહેનોએ ખૂબ જ સુંદર આયોજન અને ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.કાર્યક્રમના અંતે સુરેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ મહાનુભાવો, દાતાઓ, કાર્યકરો, સ્વયંસેવકો, મહિલા સમિતિની બહેનો તથા સમાજબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા, વડીલો પ્રત્યેનો આદર અને સંસ્કારોનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું. અંતે સૌએ ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ત્યારબાદ સૌ હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યા હતા.





