અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ બ્રહ્મ સમાજ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન અને સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના ૭૫ વર્ષ પૂર્ણ કરનાર વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મેળવનાર કર્મચારીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લીંભોઈ બ્રહ્મ સમાજ ભલે સંખ્યાની દૃષ્ટિએ નાનો હોય, પરંતુ સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક અને કલા સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં સમાજના આગેવાનો અને યુવાનોએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સમાજની વિશેષતા એ છે કે પોતાની પ્રગતિની સાથે સર્વ સમાજને સાથે રાખીને ચાલવાની ભાવના પણ ધરાવે છે.
સમાજના વડીલોએ રોજગારી અને ઉજ્જવળ ભવિષ્યની શોધમાં લીંભોઈથી શરૂ કરેલી યાત્રા આજે મોડાસા, અમદાવાદ, વડોદરા, મુંબઈ સહિત દેશ-વિદેશ સુધી વિસ્તરી છે. વડીલોના સંઘર્ષ અને મહેનતના પાયા પર આજે નવી પેઢી વેપાર, વ્યવસાય, નોકરી અને અન્ય ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરી રહી છે.આ સ્નેહમિલન કાર્યક્રમમાં સામાજિક કાર્યકર નિલેશ જોશી, બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ઉપપ્રમુખ ગૌતમ જોશી, સામાજિક કાર્યકર અશોક ત્રિવેદી તથા અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ડૉ. ચિરાગ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન લીંભોઈ બ્રહ્મ સમાજના અગ્રણી ગિરીશ ઉપાધ્યાય, જયદેવ પ્રસાદ જોશી, સુનીલ જોશી, કમલેશ ત્રિવેદી, રાજેશ ત્રિવેદી સહિત સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.વડીલોના આશીર્વાદ, પ્રતિભાશાળીઓનું સન્માન અને નવી પેઢીનો ઉત્સાહ આ ત્રિવેણી સંગમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સમાજની એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવના સુંદર રીતે ઉજાગર થઈ હતી.




