33.7 C
Gujarat
Thursday, November 12, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : ગાબટમાં JCB સાઈડમાં રાખવા મુદ્દે બે જૂથ વચ્ચે લાકડીઓ દંડા...

અરવલ્લી : ગાબટમાં JCB સાઈડમાં રાખવા મુદ્દે બે જૂથ વચ્ચે લાકડીઓ દંડા ઉછળ્યા, 22 લોકો સામે સામસામી ફરિયાદ

0

ગાબટમાં JCB સાઇડમાં રાખવાની બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, બંને જૂથો વચ્ચે મારામારી કુલ 22 લોકો સામે સામસામી ફરિયાદ લાકડી, લોખંડની પાઇપ અને ગડદાપાટુથી હુમલાના આક્ષેપો, બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામે JCB સાઇડમાં રાખવાની બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ બીજા દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જૂની બોલાચાલીનો ખાર રાખીને બંને જૂથો સામસામે આવી ગયા હોવાના આક્ષેપો સાથે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. મારામારીની ઘટનામાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 8 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં ગાબટ બજારમાં સાબરકાંઠા બેંક નજીક JCB ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન નાગરાજસિંહ ઝાલા અને ઉત્સવરાજસિંહ ઝાલાએ JCB સાઇડમાં રાખવા બાબતે કેયુરભાઈ ખાંટને કહેતાં બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોકે, સ્થાનિક લોકો વચ્ચે પડતાં મામલો શાંત થયો હતો.પરંતુ બીજા દિવસે તા. 9 નવેમ્બરે આ બોલાચાલીએ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પક્ષના ફરિયાદી કિશનભાઈ બાબરભાઈ ખાંટના જણાવ્યા મુજબ, ગાબટથી બાદરપુરા જવાના રોડ ઉપર તેમના ભાઈ ગોપાલભાઈ, ભત્રીજા વિશાલભાઈ અને માતા કેશરબેન સાથે કેટલાક લોકોએ ગાળાગાળી કરી મારામારી શરૂ કરી હતી. છોડાવવા વચ્ચે પડતાં તેમના પર પણ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં માથા અને જમણા હાથની આંગળીઓમાં ઇજાઓ પહોંચી હતી. તેમના ભાઈ ગોપાલભાઈને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ હુમલામાં રમેશભાઈને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

બીજી તરફ, ઉત્સવરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ નોંધાવેલી સામસામી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રાત્રે JCB બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને બીજા દિવસે કેયુરભાઈ ખાંટ સહિતના લોકોએ ગાબટથી બાદરપુરા રોડ ઉપર તેમનું બાઇક અટકાવી ગડદાપાટુ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન કેયુરભાઈએ લાકડી વડે બંને પગની સાથળ ઉપર માર માર્યો હતો અને જમણા કાન ઉપર લાફો માર્યો હોવાનો આક્ષેપ છે.ફરિયાદ મુજબ, ત્યારબાદ ગાબટ બસ સ્ટેન્ડ નજીક ફરીથી બંને જૂથો સામસામે આવી ગયા હતા. જ્યાં નાગરાજસિંહ, વિરેન્દ્રસિંહ, ગોપાલસિંહ, વિશાલસિંહ સહિતના લોકોને પણ લાકડીઓ અને ગડદાપાટુ વડે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. બંને પક્ષોએ એકબીજાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઘટનામાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બાયડની વાત્રક હોસ્પિટલ તેમજ બાયડ CHC ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.સમગ્ર મામલે કિશનભાઈ ખાંટ અને ઉત્સવરાજસિંહ ઝાલા બંનેએ સાઠંબા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. બંને ફરિયાદોમાં કુલ 11-11 વ્યક્તિઓ સામે મારામારી, ગાળાગાળી, જાનથી મારી નાખવાની ધમકી અને એકસંપ થઈ હુમલો કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.JCB સાઇડમાં રાખવાની બાબતે શરૂ થયેલો વિવાદ બીજા જ દિવસે બે જૂથો વચ્ચેની મારામારીમાં ફેરવાતાં ગાબટ ગામમાં ચકચાર મચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!