અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે લાભપાંચમના પવિત્ર પર્વે ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી ધામે ઉમટી પડ્યા હતા. ભગવાન શામળિયાના દર્શન માટે મંદિર ખાતે લાંબી લાંબી કતારો લાગી હતી.લાભપાંચમ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને સુવર્ણ અને હીરાજડિત મુગટ પરિધાન કરાવવામાં આવ્યો હતો. સાથે જ સુવર્ણ અલંકારો અને સુંદર વાઘામાં સજ્જ ભગવાન શામળિયાના દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
કાળિયા ઠાકોરના ભક્તો દૂર દૂરથી રથ લઈને શામળાજી ધામે પહોંચ્યા હતા અને ભગવાન શામળિયાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ લાભપાંચમના પવિત્ર દિવસે પરિવારની સુખાકારી, સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરી હતી.લાભપાંચમ નિમિત્તે દિવસ દરમિયાન ભગવાન શામળિયાના વિવિધ મનોરથના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શામળાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું હતું.





