મેઘરજની કાલીયાકુવા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી બ્રેઝા કાર ઝડપાઈ, રૂ.12.69 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને મેઘરજ પોલીસે ઝડપી પાડ્યા, 1,221 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરવાના પ્રયાસને મેઘરજ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કાલીયાકુવા પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કાર ઝડપી પાડી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા કાચા-પાકા રસ્તાઓ પર વાહન ચેકિંગ અને નાકાબંધી સઘન બનાવવામાં આવી હતી.જેના અનુસંધાને મેઘરજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામાએ પોલીસ સ્ટાફને ઉન્ડવા અને કાલીયાકુવા ચેકપોસ્ટ પર અસરકારક વાહન ચેકિંગ કરી પ્રોહિબિશન તથા NDPS સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી.
દરમિયાન કાલીયાકુવા ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સફેદ કલરની મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કાર નંબર GJ-18-BF-3321 આવતા તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની સીલબંધ પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 1,140 બોટલો અને 81 છૂટક બોટલો મળી કુલ 1,221 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે રૂ.5,59,740ની કિંમતનો વિદેશી દારૂ, રૂ.7 લાખની બ્રેઝા કાર અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.12,69,740નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં:
દેવેન્દ્રસિંહ ભૈરવસિંહ રાઠોડ, ઉંમર 22 વર્ષ, રહે. બીછાવાડા, તા. વલ્લભનગર, જી. ઉદયપુર (રાજસ્થાન).
રાજેન્દ્રસિંહ ગૌતમસિંહ સિસોદિયા, ઉંમર 24 વર્ષ, રહે. જાવત, તા. સરાડા, જી. સલુમ્બર (રાજસ્થાન).
આમ, રાજસ્થાન તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસને મેઘરજ પોલીસની સતર્કતાને કારણે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





