અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ખાતે ઠાકોર સમાજ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. OBC અનામતના આંતરિક વર્ગીકરણની માંગ સાથે સમાજના યુવાનો મોટી સંખ્યામાં એક મંચ પર એકત્રિત થયા હતા. OBC અનામત વર્ગીકરણના કન્વીનર તારકજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં ગુજરાતમાં OBC અનામતનું આંતરિક વર્ગીકરણ લાગુ કરવાની ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી.
સંમેલનમાં સમાજના શિક્ષણ, રોજગાર અને હક-અધિકારોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાઓને રોજગારીમાં સમાન તકો મળે તેમજ સમાજનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે પણ યુવાઓને આહવાન કરવામાં આવ્યું હતું.સંમેલન દરમિયાન સમાજની માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના મત નહીં મળે તેવી ચીમકી પણ સંમેલનના મંચ પરથી ઉચ્ચારવામાં આવી હતી.OBC અનામતના આંતરિક વર્ગીકરણના મુદ્દે મેઘરજના ભેમાપુર ખાતે યોજાયેલું આ યુવા સંમેલન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.





