25.6 C
Gujarat
Tuesday, November 17, 2026
Home ક્રાઇમ Crime સાબરકાંઠા : હિંમતનગર બંધ મકાનમાંથી 41 લાખની ચોરીનો ભેદ SOGએ ઉકેલી ચોરને...

સાબરકાંઠા : હિંમતનગર બંધ મકાનમાંથી 41 લાખની ચોરીનો ભેદ SOGએ ઉકેલી ચોરને દબોચ્યો 

0

 

 

દિવાળીના તહેવાર દરમિયાન પરિવાર બહારગામ ગયો હોવાનો લાભ ઉઠાવી હિંમતનગરમાં લાખોની ઘરફોડ ચોરીને અંજામ આપનારા તસ્કરોને ઝડપી પાડવામાં સાબરકાંઠા SOGને સફળતા મળી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રૂ.41 લાખ 85 હજારની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. એટલું જ નહીં, ચોરી થયેલો સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ અને રોકડ રકમ પણ 100 ટકા રિકવર કરવામાં આવી છે.

 

હિંમતનગરના ફરિયાદી શુભાષભાઈ વેલજીભાઈ રાવલ પરિવાર સાથે દિવાળીના તહેવાર નિમિત્તે 12થી 15 નવેમ્બર દરમિયાન બહારગામ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 15 નવેમ્બરે પરિવાર પરત ફરતા ચોરીની જાણ થઈ હતી. તપાસમાં સોના-ચાંદીના રૂ.39 લાખ 86 હજાર અને રોકડ રૂ.1 લાખ 99 હજાર મળી કુલ રૂ.41 લાખ 85 હજાર 518ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ચોરીના ગંભીર બનાવને પગલે સાબરકાંઠા પોલીસ અધિક્ષક દ્વારા બી ડિવિઝન પોલીસ, LCB અને SOGને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. SOGના PI એમ. વાળાએ આઠ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસે હ્યુમન સોર્સ, ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કેમેરાની મદદથી માત્ર બે દિવસમાં હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડર સહિતના વિસ્તારોના 294 જેટલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTV તપાસ દરમિયાન GJ-09-EC નંબરની હીરો કંપનીની મોટરસાઇકલ શંકાસ્પદ જણાઈ હતી. જેના આધારે પોલીસે અલગ-અલગ નંબરના કોમ્બિનેશન તપાસતાં GJ-09-EC-7650 નંબરનું બાઈક સામે આવ્યું હતું. બાઈકના માલિક શાહબાદ દિલાવરખાન બલોચની તપાસ કરતાં તેનો અગાઉ અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવણીનો ઇતિહાસ સામે આવ્યો હતો. આરોપી સામે અગાઉ PASA હેઠળ પણ કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન તે બાઈક મૂકીને રિક્ષામાં વિજાપુર તરફ જવાનો હોવાની માહિતી મળતાં SOGની ટીમે તેનો પીછો કરી અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના મિત્ર ફિરોઝ મુન્નાભાઈ શેખ સાથે મળીને 14 નવેમ્બરના રોજ બંધ મકાનનું તાળું તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીના ઘરેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી કરીને રિકવર કર્યો હતો.

હાલમાં પોલીસે એક આરોપી શાહબાદ બલોચની ધરપકડ કરી છે, જ્યારે અમદાવાદના અન્ય આરોપી ફિરોઝ મુન્નાભાઈ શેખને ઝડપી પાડવા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ચોરીનો 100 ટકા મુદ્દામાલ પરત મળતાં ફરિયાદી પરિવાર દ્વારા સાબરકાંઠા પોલીસ અધિક્ષકનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!