મોડાસા શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા ઘણાં સમયથી મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જેને લઇને સ્થાનિક લોકોનું અવાજ મેરા ગુજરાત બન્યું હતું અને આ અંગે છેલ્લા બે દિવસથી વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર ખોવાયા હોવાની લોકચર્ચાનો અહેવાલ મેરા ગુજરાતમાં પ્રકાશિત કરાયો હતો. મેરા ગુજરાતમાં પ્રકાશિત થયેલા અહેવાલની અસર થતાં પાલિકાની ટીમ દ્વારા શામળાજી રોડ વિસ્તારની વિવિધ સોસાયટીમાં ફોગિંગ કરવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ લોકોની એ પણ માંગ છે કે, સમયાંતરે ફોગિંગ કરવું જોઇએ જેથી મચ્છરોનો ઉપદ્રવ થતો અટકી શકે. નદી કાંઠાનો વિસ્તાર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે.

છેલ્લા ઘણાં સમયથી વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જોવાતા નહોતા ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે, કોર્પોરેટર સ્થાનિક લોકોના સતત સંપર્કમાં રહે તે ખૂબ જ જરૂરી છે. કોર્પોરેટરને પ્રજાએ ચૂંટ્યા છે એટલે જેમની જવાબદારી બનતી હોય છે કે,તેમના મત વિસ્તારમાં સમયાંતરે મુલાકાત કરવી જોઇએ અને લોકોના પ્રશ્નોને સાંભળવા જોઇએ જેથી લોકોને કેવી સમસ્યાઓ છે તે જાણીને પાલિકા ના સત્તાધીશો સુધી પહોંચાડી શકાય અને પાલિકા તંત્ર પ્રજા માટે યોગ્ય કરી શકે. હાલ તો ફોગિંગ થતાં લોકોમાં ખુશી પ્રસરી છે કે, હાલ તો તેઓને મચ્છરના ઉપદ્રવથી રાહત મળશે.






