કોરોના કાળથી બંધ નડિયાદ-મોડાસા પેસેન્જર રેલવે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી છે. નડિયાદ કપડવંજ મોડાસા પેસેન્જર ટ્રેનને ઓક્ટોબર 2002માં નેરોગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી હતી. 104 કિલોમીટર લાંબી રેલવે લાઈન પર નડીયાદથી મોડાસા વચ્ચે આઠ જેટલા સ્ટોપેજ આપવામાં આવેલ છે. ત્રણ વર્ષ અગાઉ આ પેસેન્જર ટ્રેન દોડતી હતી, તે સમયે વિવિધ સ્ટોપેજ પરથી મુસાફરો મોટી સંખ્યામાં ટ્રેન સેવાનો લાભ લેતા હતા, પરંતુ કોરોનાના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે માર્ચ 2019માં આ પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાનું સંક્રમણ ઘટતા ટ્રેનને પુન: શરૂ કરવાની માંગ પ્રબળ બની છે.
નડિયાદ – મોડાસા રેલવે લાઇન પર 82 જેટલા રેલવે ફાટક છે, જ્યાં ટ્રેનને હાલ 8 જેટલા સ્ટોપેજ આપવામાં આવેલા છે, જેમાં નડિયાદ થી પ્રસ્થાન કરે ત્યારે મહુઘા, ભાનેર મીનાવાડા, કઠલાલ, કપડવંજ, વડાલી, કાશીપુરા, બાયડ અને ધનસુરા થી મોડાસા પહોંચતી હતી, પણ હાલ આ નડિયાદ કપડવંજ મોડાસા બ્રોડગેજ રેલવે છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે તે પુનઃ ચાલુ કરવી જોઇએ હવે કોરોનાનું સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. તેથી આ ટ્રેન શરૂ કરવી જોઇએ તેવી મુસાફરોની માગણી છે.
કપડવંજના રેલવે ટિકિટ એજન્ટ અમિત શાહના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ અગાઉ પાટા પર ટ્રેન દોડતી હતી તે સમયે કપડવંજ રેલવે સ્ટેશનથી પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યા વિશેષ રહેતી હતી. રોજની 125 થી 150 ટિકિટોનું વેચાણ થતું હતું, જેમાં સુરત વડોદરા અને નડિયાદના પેસેન્જરો મળતા હતા. હવે સંક્રમણ ઓછું થવા લાગ્યું છે ત્યારે ટેઈન સેવા ફરીથી શરૂ થાય તો રેલવેને પેસેન્જરો અગાઉની જેમ મળી શકે તેમ છે. મોડાસાથી નડિયાદ અને નડિયાદથી વડોદરા જનાર મુસાફરોની સંખ્યા હોય છે ત્યારે ટ્રેન સેવા ફરીથી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.





