ઓહોજ માતાજીના ચાચર ચોકમાં આઠમના નોરતે ખેલૈયાઓએ સવારે પાંચ વાગ્યા સુધી રમઝટ જમાવી હતી
ઓહોજ માતાના દરબારમાં ચાંદીની માંડવળીની અંદર સોનાના ગરબા પર માતાજીનો દીપ પ્રગટાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
આઠમના નોરતે માં ના દરબારમાં ૧૧૦૦ સમૂહ મહાઆરતી ઉતારી ભક્તોએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી
મોડાસા તાલુકાના ટીંટોઈમાં ઓહોજ માતાજી મંદિર ખાતે નવરાત્રી નિમિતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબાની રમઝટ જેવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર શેરી ગરબા યોજવામાં આવી રહ્યા છે. મોડાસાના ટીંટોઈ ગામે પણ વર્ષોથી મંદિર પરિસરમાં ગરબા રમીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ટીંટોઈના ઓહોજ માતાના મંદિર ખાતે ચાંદીની માંડવળી મુકવામાં આવે છે. અહીં સોનાના ગરબા પર માતાજીનો દીપ પ્રગટાવવામાં આવે છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
માતાજી પર ભક્તોની આસ્થા હોવાથી દૂર દૂર થી ભક્તો ખાસ આઠમના નોરતે આવતા હોય છે અને રાત્રીના બે વાગે ભવ્ય આરતી યોજવામાં આવે છે. ટીંટોઈ ગામે ગુજરાતના વિસ્તારોમાં રહેતા ભક્તો તેમજ મુંબઈથી પણ આઠમના દિવસે ભક્તો માતાજીની આરાધના કરવા માટે અચૂક આવે છે.





