મોડાસા-શામળાજી રોડ પર એકપણ ટપાલ પેટી નહીં…!!
શામળાજી રોડ પર મોટાભાગની કચેરીઓની કેટલીય ટપાલ પોસ્ટ કરવા મોડાસા બજાર પોસ્ટ ઓફિસના ધક્કા
કોઈ ન કોઈ હુકમ, અરજીનો જવાબ સહિતની ટપાલ પોસ્ટ કરવી જરૂર
નજીકમાં પોસ્ટ વિભાગ દ્વારા ટપાલ પેટી ની વ્યવસ્થા જરૂરી
જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલિસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ પોસ્ટ વિભાગનું ધ્યાન દોરવું જરૂરી
અરવલ્લી જિલ્લાની રચના થયાને દોઢ દાયકા જેટલો સમય વીતિ ગયો છતાં, ઘણી સુવિધાઓ હજુ પ્રજાને તો મળી જ નથી, સાથે જ સરકારી કર્મચારીઓને પણ કેટલીક સુવિધાઓનો લાભ મળતો નથી. જિલ્લાની રચના થયા પછી, શામળાજી રોડ પર જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે, જેમાં જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત, જિલ્લા પોલિસ વડા કચેરી, જિલ્લા કોર્ટ, નજીકમાં બે ઈજનેર કોલેજ અને હવે આગામી દિવોસમાં સિવિલ હોસ્પિટલ પણ તૈયાર થશે. આ કચેરીઓના વર્ગ ચાર ના કર્મચારીઓને કોઈપણ નાની મોટી ટપાલ પોસ્ટ કરવા માટે બજાર સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે. શામળાજી રોડ વિસ્તારમાં એક ટપાલ પેટી મુકવામાં આવી, તેવી માંગ ઉઠવા પામી છે. જેથી કર્મચારીઓને રોજે-રોજ ટપાલ પોસ્ટ કરવા માટે બજાર સુધી ન જવું પડે.
જિલ્લા સેવા સદનની કેટલીય કચેરીઓની ટપાલ સંબંધિત વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓના રોજે-રોજ સાદી ટપાલ પોસ્ટ કરવા માટે બજાર સુધીના ધક્કા ખાવા પડે છે, અહીં આટલી મોટી કચેરીઓ હોવા છતાં, એકપણ ટપાલ પોસ્ટ કરવા માટે કોઈ ટપાલ પેટી મુકવામાં આવી નથી. અધિકારીઓને તો આ બાબતે ધ્યાન નથી, પણ વર્ગ 4 ના કર્મચારીઓને ઘણી જ તકલીફ પડતી હોય છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા શામળાજી રોડ વિસ્તારમાં અનુકૂળ જગ્યાએ ટપાલ પેટી મુકવામાં આવે, તે જરૂરી છે. આ બાબતે, જિલ્લા પોલિસ વડા, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ધ્યાન રાખીને, પોસ્ટ વિભાગને ધ્યાન દોરવું જોઈએ.






